• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Wedding Season Will Start Now, But 'Pre Wed Shoot' Has Been Taking Place At Various Locations For Fortnight, Kutch Is Also A Hot Favorite For 'Pre Wed Shoot'.

‘પ્રિ-વેડ શૂટ’:લગ્ન સિઝન હવે શરૂ થશે, પરંતુ ‘પ્રિ-વેડ શૂટ’ તો પંદર દિવસથી વિવિધ લોકેશન પર થઈ રહ્યું છે,કચ્છ ‘પ્રિ-વેડ શૂટ’ માટે પણ હોટ ફેવરિટ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાભરના ફોટો અને વીડિયોગ્રાફર ધોળાવીરાથી ધોરડો સુધીના લોકેશન પર વ્યસ્ત
  • હરિયાણાથી હૈદરાબાદ સુધીના યુગલ લગ્ન પહેલાની વીડિયોગ્રાફી માટે કચ્છ તરફ વળ્યા
  • ​​​​​​​દેશ - વિદેશમાં શૂટિંગ થતું હોવાથી ‘પ્રિ-વેડ શૂટ’નો ખર્ચ પચાસ હજારથી પાંચ લાખ સુધી
  • કચ્છના વિવિધ લોકેશન પર હાલ આઠથી દસ યુગલોના દરરોજ પ્રિ-વેડ શુટ થાય છે

એક સમય હતો જ્યારે કોઈપણ પરિવારમાં લગ્ન હોય ત્યારે ફોટોગ્રાફી માટે બે થી પાંચ રોલ જેટલા ફોટોગ્રાફ એટલે કે સોથી દોઢસો નંગ ફોટા પડાવવામાં આવતા, અને તેના આલ્બમનું મહત્તમ બિલ બેથી અઢી હજાર થતું. જ્યારે આજે લગ્ન પહેલા યુગલો ‘પ્રિ-વેડ શૂટ’ કરાવે છે, જેનો ખર્ચ પચાસ હજારથી પાંચ લાખ સુધીનો થાય છે. સોશીયલ મીડીયાના સમયમાં દુનિયા નાની થઈ ગઈ છે. આજના યુગલ લગ્ન અગાઉ દસ દિવસથી જ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને વ્હોટ્સ એપ જેવા પ્લેટફોર્મ પર કાઉન્ટ ડાઉન શરૂ કરી દે છે.

જેમાં બંનેના વિવધ લોકેશન પર થીમ કે સ્ટોરી આધારિત શોર્ટ ફિલ્મ બનાવી મૂકે છે. કચ્છના લોકેશન એટલી હદે પ્રખ્યાત થઈ ગયા છે કે, છેટ હૈદરાબાદ, બેંગલોર, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોના યુગલ અહી આવે છે. માંડવીનો વિજય વિલાસ, ધોરડોનું સફેદ રણ, ભુજ ખારી નદીની કોતર, માંડવીનો બીચ વગેરે હોટ ફેવરિટ છે.

‘પ્રિ-વેડ શૂટ’ હવેનાં લગ્નો માટે મહત્વનો પ્રસંગ બની ગયો છે. આ અંગે જાણીતા ફોટોગ્રાફર પરાગ કપ્ટા જણાવે છે કે, લગ્નની મુખ્ય વિધિ અને બધી પ્રણાલી તો ફોટો અને વિડિયોગ્રાફી માટે મહત્ત્વનાં છે, જ પરંતુ તેનાથી પંદર દિવસ અગાઉ ‘પ્રિ-વેડ શૂટ’ પર પણ એક પ્રોજેક્ટ તરીકે વર્ક આઉટ કરવામાં આવે છે.

જેમ કે, કયું ગીત કે મ્યુઝિક પસંદ કરવું, તેને અનુરૂપ લોકેશન. ત્યાં શૂટિંગ કરવા ડ્રોન, ફૂલ ફ્રેમ કે ગીબન કેમેરા વાપરવા તે નક્કી કરાય છે. લોકેશન મુજબ ડ્રેસિંગ અને મેક-અપ નક્કી કરાય. જેમકે, ધોરડો સફેદ રણ વચ્ચે શૂટ થાય તો બ્લેક થીમ પર ડ્રેસ નક્કી થાય. આ બધું નક્કી થઈ ગયા બાદ, કચ્છના વિડિયોગ્રાફરનું કામ શરૂ થાય છે. આ માટે મુંબઈ સુધી કચ્છના ફોટોગ્રાફરના કામ વખણાય છે.

‘પ્રિ-વેડ શૂટ’ માં બે નવા લોકેશન ઉમેરાયા
સફેદ રણને કારણે જ કચ્છ બાજુ બધા આકર્ષિત થયા છે, ત્યારે ત્યાં પાણી ભરાયેલું હોય, તો શૂટિંગનો અર્થ નથી રહેતો, માટે ફોટોગ્રાફર ખડીર અને એકલ બાજુના સફેદ રણને પસંદ કરે છે, તો હવે જાદુરા ટેકરી, ટપકેશ્વરી, કાળો ડુંગર, છતરડી, રામકુંડ, ચાડવા રખાલ, રોહા ફોર્ટ, વિજય વિલાસ, માંડવી બીચ, ધોરડો ઉપરાંત છેલ્લા બે વર્ષથી કાળિયાધ્રો અને ધોળાવીરા છિપર પોઇન્ટ શૂટિંગ પોઇન્ટ તરીકે વિકસ્યો છે.

યુગલ તેમની લવ સ્ટોરી આ પ્રોજેક્ટમાં વણી લે છે
લગ્ન અગાઉ જ સોશીયલ મીડીયા માટે તૈયાર કરવામાં આવતી શોર્ટ ફિલ્મ માટે થીમ કે સ્ટોરીની સ્ક્રિપ્ટ તૈયાર થાય છે. આ અંગે સાધના સ્ટુડિયોના જય કંસારા જણાવે છે કે, એક પાર્ટીનો ઓર્ડર કર્યો, તેમાં એ કપલ તેના પ્રેમમાં પડ્યા તેની શરૂઆતથી આજ સુધીની સફર કચકડે કંડારવાની હતી. જે માટે તે સમયના પ્રણય પાંગર્યો તે સ્થળે જઈને શૂટ કર્યું, તો તેને અનુરૂપ ગીત, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ડ્રેસિંગ પાંચ મિનિટની ફિલ્મ તૈયાર કરી. અત્યારે આ ટ્રેન્ડ બહુ પ્રચલિત છે.

કચ્છના ફોટોગ્રાફર શૂટિંગ માટે વિદેશ જતા થયા
હવે એક વર્ગ એવો છે કે લગ્નને ઇવેન્ટ તરીકે લેવા લાગ્યો છે. મંડપથી કરીને વિદાય સુધી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કામગીરી સુપ્રત કરાય છે, તો લગ્ન પહેલા થતા શૂટિંગ માટે પણ ખાસ બજેટ ફાળવી અન્ય કોઈપણ પરિવારે ન કર્યું હોય તેવું કરવાની શરૂઆત થઈ છે. માટે જ આજે કચ્છના ઘણા ફોટોગ્રાફર છે જે, દુબઈ, માલદીવ, મોરેશિયસ, તુર્કી, ઇસ્તંબુલ અને યુ.કે. સુધી ‘પ્રિ-વેડ શૂટ’ માટે જઈ આવ્યા છે. તસવીરમાં ભુજનો ફોટોગ્રાફર તરુણ વ્યાસ ઇસ્તંબુલમાં ફોટો શૂટ કરે છે

અન્ય સમાચારો પણ છે...