મિશાલ:અજરખપુરમાં કાંતિ કાકાના 100મા જન્મ દિને વેબ સાઇટ લોન્ચ કરાઇ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પ્રવૃત્તિ હાથ ધરીને કાંતિ સેન શ્રોફ એક મિશાલ બની ગયા

કાંતિસેન શ્રોફ ‘કાકા’ પોતાના જીવનમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી અને બધા માટે એક મિશાલ બની ગયા છે તેમ અજરખપુર ખાતે કચ્છ નવનિર્માણ અભિયાન સંસ્થા દ્વારા સદગતના 100મા જન્મ દિવસ પ્રસંગે યોજાયેલા વંદના કાર્યક્રમમાં જણાવાયું હતું.

બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા, કિરીટ દવે, પ્રદીપ ગોસાલ, કમલેન્દુભાઈ, આયોજક સંસ્થાના મોવડી સુષ્મા આયંગર, વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી, હરેશ ધોળકિયા, સંદીપ વિરમાણીઅને પંક્તિબેન શાહના હસ્તે ખુલ્લા મુકાયેલા કાર્યક્રમાં જયેશ લાલકાએ ‘100 જળમંદિર અભિયાન પ્રોજેકટ’ના પ્રથમ ચરણમાં 100 તળાવમાં જળસંગ્રહનો સંકલ્પ લીધો હતો. ક.વિ.ઓ. જૈન મહાજન અને અભિયાન તેમજ લોક સહયોગી સંસ્થાથી 169.74 લાખના આ પ્રોજેકટ પર થનારા કામને વર્ણવ્યું હતું.

ગોરધનભાઈ પટેલ ‘કવિ’એ 100 ગામના દરેક ગ્રંથાલયને 10 હજાર રૂપિયાના પુસ્તકો આપવાની જાહેરાત કરી હતી. પ્રતીકરૂપે મૂલેશભાઈ દોશીને પુસ્તકો અપાયાં હતાં. લાલ રાંભિયા લિખિત ‘કલાયાત્રાના સંભારણા’, લીલાધર માણેક ગડા(અધા) લિખિત ‘પિલર 1175’(નવલકથા), ડો. કાંતિભાઈ ગોર ‘કારણ’ લિખિત ‘બારસાખે તોરણ’, હરેશ ધોળકિયા લિખિત ‘નવી સદી આનંદયુગનું પ્રભાત’, તેમજ કેશુભાઈ દેસાઈ લિખિત ‘વન વનના પારેવાં’ પુસ્તકોનું અગ્રણીઓના હસ્તે વિમોચન કરાયું. ‘૨૧મી શતાબ્દીનું કચ્છ’ વિષયે નિબંધ લેખનમાં અત્યાર સુધી 108 નિબંધો આવી ગયા હોવાનું તેમણે કહ્યું હતું.

વન વિભાગના પૂર્વ અધિકારી એચ. પી. વરિયાએ જણાવ્યું કે, કુકમા વિસ્તારમાં એક લાખ દેશી તેમજ ઔષધીય વૃક્ષો ઉછેરવામાં આવશે. કસબના પંકજ શાહે કહ્યું હતું કે, કિરીટભાઈ દવેના માર્ગદર્શન હેઠળ હસ્તકળાના 100 નમૂના તૈયાર કરાશે અને 2023માં એલ.એલ.ડી.સી. ખાતે તેમનું એક્ઝિબિશન યોજાશે. સેંધાભાઈ પારેગીએ 6 તાલુકામાં 101 તળાવ-ડેમનું રિનોવેશન કરાશે એવું જણાવ્યું હતું. અશ્વિન શ્રોફે કાકાના સિદ્ધાંત ‘કામ માત્ર રૂપિયા કમાવા નહીં પણ સમાજને ઉપયોગી થવા કરવું’ ને આગળ વધારવા લોકો તેમજ સંસ્થાઓ વિચારે એવો ભાવ વ્યક્ત કર્યો.

જો સરકાર વધુ જમીન ફાળવશે તો વધુ એક લાખથી પણ વધુ વૃક્ષો વાવવાનો દીપેશભાઈ શ્રોફે સંકલ્પ લીધો હતો. અતુલભાઈ શ્રોફે વધુ 100 વોકેશનલ વર્કશોપ કરશે તેમ કહ્યું હતું. આ અવસરે મહેશ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા બનાવાયેલી વેબસાઈટ www.kantisenshroff.com ને કિરીટ દવેના હસ્તે લોન્ચ કરાઇ હતી. જેમાં, કાકા વિશેની માહિતી, વિડીયો, ફોટો, અવતરણો ઉપલબ્ધ છે.

કાકાએ કંડારેલાં ચિત્રો પ્રદર્શનમાં મુકાયા
કાકાએ 90 વર્ષની જૈફ વયે એક પ્રવૃત્ત માનવી વિશેષ પ્રદાન કરી શકે એનું ઉદાહરણ પૂરું પાડયું હતું. તેમણે દોરેલાં 300થી વધારે ચિત્રો પૈકી પસંદ કરાયેલા ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાથેસાથે મહારાષ્ટ્રના કલાકાર નિલેશ નિવાતે દ્વારા કાકા-કાકીનાં રંગોળી પેઈન્ટીંગ એમના બે સહાયકોની મદદ વડે બે દિવસના સમયગાળામાં 27 કલાક કામ કરી રંગોળીઓ બનાવી એ પણ લોકોને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...