ખેડૂતોનો હુંકાર:‘કચ્છમાં નર્મદાના વધારાના પાણી લઇને જ ઝંપશું’

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભુજ - Divya Bhaskar
ભુજ
  • કચ્છના તાલુકા મથકોએ ભારતીય કિસાન સંઘે ધરણા યોજીને સરકાર સમક્ષ માંગ દોહરાવી
  • નિયમિત પાણીના​​​​​​​ કામમાં ગતિ લાવવા, પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર આપવા અને ખેતીવાડીમાં મીટર મરજીયાત કરવા કરી રજૂઆત

કચ્છમાં નર્મદાના વધારાના પાણી ફાળવવા માટે વર્ષ 2006થી માત્ર જાહેરાતો જ થાય છે. છેલ્લે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માટે 3475 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી પણ હજુ સુધી વધારાના નીર માટે વહીવટી મંજૂરી ન આપીને સરહદી જિલ્લાને અન્યાય કરાઇ રહ્યો છે. હવે વધારાના પાણી ન મળે ત્યાં સુધી લડત જારી રહેશે તેમ કચ્છના તાલુકા મથકોએ કિસાન સંઘ દ્વારા યોજાયેલા ધરણામાં જણાવાયું હતું. મામલતદારોને અપાયેલા આવેદનમાં નર્મદાના વધારાના પાણી માટે વહીવટી મંજૂરી આપવા, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ફાળવવા અને ખેતીવાડીમાં વીજ મીટર પ્રથા મરજીયાત કરવાની માંગ કરાઇ હતી.

ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે બહોળી સંખ્યામાં ધરતીપુત્રો એકત્ર થયા હતા. તાલુકા પ્રમુખ કાનજી ગાગલ, પ્રદેશ ઉપપ્રમુખ શામજી મ્યાત્રા, મહિલામંત્રી વાલુબેન રાબડિયાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. મંત્રી નારાણ વરસાણી સંચાલિત કાર્યક્રમના સમાપને રવજી ચાવડાએ આભાર વિધિ કરી હતી. અંજારમાં જિલ્લા મંત્રી ભીમજી કેરાસીયા, પ્રેમજીભાઈ લીંબાણી, ચનાભાઈ મરંડ, અરજણ છાંગા, હરીભાઇ મ્યાત્રા, શંભુભાઈ બોરીચાની આગેવાનીમાં આવેદન આપવામાં આવ્યું હતું. દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ભચાઉમા મામલતદાર કચેરી સામે ત્રણ કલાક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકાભરમાંથી ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના અવિનાશ જોશી, જિલ્લા સંઘના રામજી છાંગા, વિઠ્ઠલ પટેલ, ડાયાભાઈ આહીર તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાપર ખાતે પ્રદેશ સંયોજક રાધાબેન ભુડિયા, જિલ્લા ઉપપ્રમુખ ભચાભાઈ માતા, તાલુકા પ્રમુખ કરશન વરચંદ,મંત્રી કુંભાભાઈ ચાવડા, ઉપ પ્રમુખ સામજી ભૂતની સાથે મોટી સંખ્યામાં હાજર રહેલા ધરતીપુત્રોએ આવેદનપત્ર મુજબની માંગ સંતોષવા રજૂઆત કરી હતી.

છેલ્લા ઘણા સમયથી મુન્દ્રા તાલુકાના કિસાનો અનેકવિધ સમસ્યાઓથી પીડા તા હોવા છતાં રાજ્ય મુન્દ્રા તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મામલતદાર ચિરાગ નિમાવતને આપેલા આવેદનમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ થકી ઉભા મોલને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા,ખેતી આધારિત ઝરપરા ગામ સુધી નર્મદાના પિયત પાણીની લાઈન પહોંચાડવા સમેતની બાબતો ટાંકી અઠવાડિયાની અંદર સમસ્યાના નિવારણની માંગ કરી હતી. આવેદન આપતી વેળાએ બહોળી સંખ્યામાં તાલુકાના કિસાનો તથા ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

માંડવીમાં જિલ્લા ઉપપ્રમુખ ભગવાનભાઇ પાંચાણી, મંત્રી વાલજી લિંબાણી, તાલુકા પ્રમુખ રતિભાઇની આગેવાની તળે આવેદનપત્ર પાઠવાયું હતું. વેપારી અને બાર એસોસિયેશને ટેકો જાહેર કર્યો હતો. નખત્રાણા ખાતે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. જિલ્લા પ્રુખ શિવજી બરાડિયાએ નર્મદાના વધારાના પાણી માટે આગામી સમયમાં ઉગ્ર લડત છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. તાલુકા પ્રાણલાલભાઇ, મંત્રી જગદીશ લિંબાણી, ઉપપ્રમુખ પ્રદીપ યાદવ, શિવદાસ કેસરાણીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.

સંતો-મહંતો, આરએસએસ સહિતનાએ આપ્યો ટેકો
અંજારમાં ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા ધરણા કાર્યક્રમ વેળાએ સ્વામિનારાયણ મંદિરનાં મહંત દેવનંદન સ્વામી અને શાંતિપ્રીય સ્વામી, સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી, દીનેશ રાવલ, ભચાઉમાં સંત નારણદાસ બાપુ, રાપરમાં હિંદુ વાહિની ગુજરાત રાજ્ય પ્રભારી દેવનાથ બાપુ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હોદેદારો, વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ જગુભા જાડેજા, દયાપરમાં નારાયણસરોવર જાગીરના સોનલલાલજી મહારાજ, નખત્રાણામાં રવિભાણ આશ્રમના સુરેશદાસ બાપુ, બિબરના મુકુલકુમાર સહિતના સંતોએ કિસાનોની લડતને ટેકો જાહેર કર્યો હતો.

દયાપરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં યોજાયેલા ધરણાને ટેકો આપતાં વેપારીઓએ અડધા દિવસ માટે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. જો કે, નાના વેપારીઓ તેમાં જોડાયા ન હતા. તાલુકા કિસાન સંઘના ભવાનભાઇ પટેલ, હસમુખ પટેલ, તુલસીદાસ પારસિયા, સુરેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...