આજે પ્રેમનો​​​​​​​ દિવસ:અમે તો આંખોને આંખોમાં જ કહ્યું હતું : વીલ યુ બી માય વેલેન્ટાઇન ?

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજના મોબાઈલ ચેટિંગ યુગ કરતા ચીઠ્ઠી યુગ વધુ વિશ્વાસપ્રદ અને સંયમી હતો
  • ચાર દાયકા પૂર્વે પ્રેમલગ્ન મોટી વાત હતી ત્યારે પરિણયના બંધને બંધાયેલા આંતરજ્ઞાતિય યુગલોની પ્રેરક વાત

આજે પ્રેમ લગ્ન થવા એ સામાન્ય બાબત છે. પરંતુ એક સમય એવો હતો કે, પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા તે પણ યુવા-યુવતી માટે માં-બાપને, કુટુંબ અને સમાજને સમજાવવા વિકટ પ્રશ્ન હતો. બંને પક્ષ જો અલગ અલગ જ્ઞાતિના હોય તો તો વિવાહ સરળતાથી ન જ થાય. આવા લગ્ન માટે તે સમયે ‘ભાગીને લગ્ન કર્યા ‘ એ પ્રચલિત વાક્ય હતું.

સાથે સાથે એ પણ ખરી વાત છે કે, આજના જમાનામાં માં બાપની સંમતિ સાથેના ધામધૂમ પૂર્વક કરેલા લગ્ન પણ ક્યારેક સહનશક્તિના અભાવે બહુ જલદી છૂટાછેડામાં પરિણમે છે, તો ચાર પાંચ દાયકા અગાઉ કુટુંબ અને સમાજની સામે અડગ રહીને લગ્ન કર્યા છે, એવા જોડલા આજે પણ અખંડ છે. તે સમયે સમાન વર્ણ ન હોય કે હિન્દુ-મુસ્લિમ સમાજના યુવાઓએ પ્રેમ લગ્ન કર્યા, તો ચોક્કસ ચર્ચાનો વિષય બન્યા હશે, પણ આજની જેમ ‘લવ જેહાદ’ કે સમાજો વચ્ચે ધિંગાણા નથી થયા. આવા જ અનેક સફળ લગ્ન કે જેઓએ ચાર દાયકા અગાઉ એકબીજાને કહ્યું હતું, ‘વીલ યુ બી માય વેલેન્ટાઇન ?’

વર્ણ તદ્દન જુદા હતા, પરંતુ ઇરાદો મજબૂત હતો - નીનાબહેન જગદીશ મહેતા
ભુજ આકાશવાણી કેન્દ્રમાં એક મહિનાના અંતરે નોકરીએ જોડાયા બાદ થોડા વર્ષે પ્રણય થતા સાત વર્ષ બાદ 1977માં એટલે કે આજથી 45 વર્ગ અગાઉ લગ્ન કરવાનું નક્કી કર્યું. નાગર યુવક સાથે પ્રેમ તો કર્યો પણ અમારા સથવારા સમાજમાં આ લગ્નને મંજૂરી નહિ મળે તેવી ખાતરી હોવાનું કહેતા નીનાબહેન ઉમેરે છે કે, બંને ભાઈ શિક્ષિત હોતા તેમનો સહકાર હતો, પરંતુ માં અને બાકી બધાની જાણ બહાર જ લગ્ન કરવા પડે તેવી પરિસ્થિતિ હતી.

સાસુ, સસરા અને જ્ઞાતિજનો, મિત્ર વર્તુળ સમક્ષ ભારતીય સંસ્કૃતિ સેવા મંડળમાં ધામધૂમથી લગ્ન લેવાયાં ત્યારે મારા પક્ષે એકપણ વ્યક્તિ નહોતી, જે આજે પણ અફસોસ છે. માવિત્ર પક્ષે લગ્ન સ્વીકારતાં બે વર્ષ લાગ્યા, પણ સમાજ દોઢ દાયકા સુધી સ્વીકારી નહોતો શક્યો. સસરા પક્ષે નાગર જ્ઞાતિએ પ્રથમ દિવસથી જ મને પ્રેમ અને સન્માન આપ્યા છે તેનો આનંદ છે.

સહ અધ્યયન છતાં બે મિનિટ ઊભીને વાત ન થઈ શકતી - જીતેન્દ્ર વીસરીયા

મુલુંડની શાળામાં સાથે ભણતા જૈન યુવક અને લોહાણા સમાજની યુવતીને પસંદ તો કરે છે, પરંતુ બે મિનિટ ઊભીને પણ વાત કરી શકાય તેવું મુક્ત વાતાવરણ નહોતું આજથી સાડા ત્રણ દાયકા અગાઉ. મોબાઈલ યુગ નહોતો કે મેસેજ કે ચેટ થઈ શકે.

તેવામાં સંદેશ આપવા ચીઠ્ઠી અથવા પ્રેમપત્ર માત્ર સાધન હતું. ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો એટલે આ પ્રેમ લગ્નની સંમતિ બંને પક્ષે આરામથી મળી હતી તેવું કહેતા મૂળ કચ્છ કોટડા રોહાના અને પાંચ દાયકાથી મુલુંડ સ્થાયી થયેલા જીતેન્દ્ર હેમરાજ વીસરીયા ઉમેરે છે કે, તેમના પત્ની પ્રજ્ઞા જૈન પરિવારમાં આવ્યા બાદ પણ તેમને શંકર કે દરિયાલાલ મંદિરે દર્શન કરવા જઈ શકે છે, તો જૈન તીર્થો પર પણ બધા નિયમો પાળે છે. અમને સમાજ કે સંપ્રદાયનું બંધન ક્યારેય નડ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...