કેનાલમાં પુરણ થતાં ખેડૂતોને તંગી:વાગડના ફતેહગઢથી વાંઢિયા જતી નર્મદાની પેટા કેનાલમાં માટીનું પુરણ થતાં ગાગોદર પાસે પાણી અટક્યું

ભુજ13 દિવસ પહેલા
  • અસામાજિક તત્વો દ્વારા કેનાલનું પુરણ કરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા રાપર તાલુકના ફતેહગઢથી ભચાઉના વાંઢિયા સુધી જતી નર્મદાની પેટા કેનાલમાં ગાગોદર પાસે ફરી માટીનું પુરણ થઈ જવા પામ્યું હતું. કેનાલ વચ્ચે માટી જમા થઈ જવાથી વહેતું પાણી આગળ વધતા અટકી ગયું હતું, જેના કારણે થોરિયારી, માણાબા અને વાંઢિયા સહિતના ગામો તરફ પાણી પહોંચી રહ્યું નથી. જેને લઈને શિયાળુ પાક લેતાં ખેડૂતોને પાણીની તંગી ઉભી થઇ હતી.

આ વિશે ગાગોદર આસપાસના સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગાગોદર પાસે નર્મદાની પેટા કેનાલમાં આજુબાજુ પડી રહેલા માટીના ઢગલાના લીધે અવાર નવાર માટી કેનાલમાં પડવાને કારણે પાણીનો પ્રવાહ આગળ વધતો અટકી જાય છે, તેથી ગાગોદર પછીના માણાબા થોરિયારી, ગોરાસર, રામપરવાંઢના અનેક ગામ સુધી પાણી પહોંચતું નથી. જેથી પાણીના અભાવથી હાલમાં લેવામાં આવતા જીરું, રાયડો, એરંડા વગેરેના પાકને આડ અસર પડે છે.

થોરિયારી ગામના ખેડૂતોએ કહ્યું હતું કે, ફતેહગઢની પેટા કેનાલ આસપાસ ખોદાયેલી માટી જૈસે થેની સ્થિતિમાં પડી રહેવાથી વરસાદ દરમિયાન તે કેનાલમાં ધસી પડે છે. જ્યારે આ વખતે વગર વરસાદે માટી કેનાલમાં આવી જતા પાણીનો પ્રવાહ અટકી ગયો છે. આ માટે અમૂક ઈસમો દ્વારા કોઈ કારણોસર કેનાલમાં માટી પુરવામાં આવી હોય એવું જણાઈ આવે છે. જે માટે સંબધિત તંત્ર દ્વારા પડતર માટીનો અન્યત્ર નિકાલ કરવામાં આવે તે જરૂરી છે, અન્યથા વારંવાર ઉદભવતી પરેશાનીનો ભોગ ખેડૂતોએ બનતા રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...