હાલાકી:ભુજના વોર્ડ 1મા પાણી વિતરણ 7 દિવસથી બંધ, સમ્પની મોટર જ ગુમ કરી દેવાઇ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય વોર્ડના સંપની મોટર ખરાબ થઇ જતા ત્યાં મુકવામાં આવી હોવાની ચર્ચા

છેલ્લા અેક સપ્તાહથી વોર્ડ નંબર 1માં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. 17 હજાર વસ્તીને પુરવઠો ન પહોંચતા રાવ નગરસેવકો સુધી પહોંચી હતી, જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવાનું કારણ જાણવા પ્રયાસ કરાતા સંપની મોટર જ ગુમ થઇ ગઇ હોવાની ચોંકાવનારી હકીકત સામે અાવી હતી. અન્ય વોર્ડના સંપની મોટર ખરાબ થઇ જતા વોર્ડ નંબર 1ના સંપની મોટર કાઢીને ત્યાં ફીટ કરવામાં અાવી હોવાની ચર્ચા થઇ રહી છે.

શહેરના સંજોગનગર, ખારસરા ગ્રાઉન્ડ વિસ્તાર સહિતના વોર્ડ નંબર 1ના વિસ્તારોને જે સંપમાંથી પાણી વિતરણ થતું હતું તે સંપની મોટર જ ગુમ કરી દેવાઇ છે. ઉમેદનગર પાસેના વોર્ડના સંપની મોટર ખરાબ થતા વોર્ડ નંબર 1ના સંપની મોટર ત્યાં ફીટિંગ કરી દેવાઇ છે અને વોર્ડ નંબર 1ના રહેવાસીઅો સાત દિવસથી પાણીથી વંચિત રહી ગયા છે.

જવાબદાર કર્મચારી સામે પગલા ભરો : નગરસેવિકા
નગરસેવિકા અાઇશુબાઇ અલીમામદ સમાઅે જિલ્લા કલેકટર અને ચીફ અોફીસરને કરેલી લેખિત રજૂઅાતમાં જણાવ્યું હતું કે સાત-સાત દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. સંપની મોટર કર્મચારીઅો દ્વારા ગુમ કરી દેવામાં અાવી છે જે અંગે પુછતા બહાનાબાજી કરવામાં અાવી હતી.

17 હજાર માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીથી પાણીની સુવિધાથી વંચિત રહી ગયા છે. નગરસેવકોએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 1માં લોકોના ઘરોમાં પાણી સંગ્રહ માટે અન્ડરગ્રાઉન્ડ ટાંકા નથી, જેથી છેલ્લા એક સપ્તાહથી હાલાકી ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...