તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Water By Tanker In More Than 20 Villages Of Kutch! Many Villages Of Rapar Taluka Which Reached Narmada Canal Also Depend On Tankers

પાણીની પળોજણ:કચ્છના 20થી વધારે ગામોમાં ટેન્કર વડે પાણી ! નર્મદા કેનાલ પહોંચી આવી તે રાપર તાલુકાના પણ અનેક ગામો ટેન્કર પર નિર્ભર

ભુજ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાપર તાલુકાના રામવાવમાં દર બીજા દિવસે ટેન્કર મંગાવવું પડે છે. - Divya Bhaskar
રાપર તાલુકાના રામવાવમાં દર બીજા દિવસે ટેન્કર મંગાવવું પડે છે.
 • રાજ્યમાં ટેન્કર આધારીત સૌથી વધારે ગામો પણ કચ્છના
 • જિલ્લામાં 60થી 80 જેટલા થાય છે ટેન્કરના ફેરા છતાં પાણી અપૂરતુ

નર્મદા યોજનાનું કામ જ્યારે-જ્યારે કોર્ટમાં અટકતુ ત્યારે-ત્યારે સરકારે કચ્છ સુધી પાણી પહોંચાડવુ છે તેવી દલીલ કરી કામની મંજૂરી મેળવવાની કોશીશ કરી છે. હાલ સરદાર સરોવર બંધ પર દરવાજા ગોઠવાઇ ગયા તેને પણ બે વર્ષ થઇ ગયા, પરંતુ કચ્છમાં હજુ પણ નર્મદાની મુખ્ય કેનાલના કામ પૂર્ણ થયા નથી ! સિંચાઇના પાણી તો દૂરની વાત પીવાના પાણીના પણ ફાંફાં છે. આજની તારીખે પણ રાજ્યમાં સૌથી વધારે વધારે ટેન્કર આધારીત ગામો કચ્છમાં છે ! હાલમાં કચ્છમાં 20થી વધારે ગામોમાં ટેન્કર વડે પાણી પહોંચાડવામાં આવે છે !

આ અંગે મળતી વિગતો મુજબ વર્ષો પહેલા કચ્છમાં સેંકડો ગામોમાં ટેન્કર વડે જ પાણી આપવામાં આવતુ હતું. હવે પાણીની વ્યવસ્થામાં થોડો સુધારો થયો છે. પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓની સામે કચ્છને અન્યાય થયો છે. નર્મદાના કામોમાં કચ્છને સૌથી પાછળ રાખવામાં આવે છે. કચ્છમાં મુખ્ય કેનાલના કામો હજુ પૂર્ણ થયા નથી, તેવામાં પેટા કેનાલના કામો પૂર્ણ થતા હજુ વર્ષો લાગી જશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નર્મદાના વધારાના પાણીના કામો પૂર્ણ થવામાં આવ્યા છે. તેના માટે અબજો રૂપિયા ખર્ચાઇ ગયા છે. પરંતુ કચ્છના હકના વધારાના પાણીના કામો હજુ વહીવટી કાર્યવાહીમાં અટવાયા છે ! આ અન્યાય વર્ષોથી થઇ રહ્યો છે. સરકાર એકબાજુ નલ સે જલના દાવા કરે છે. પરંતુ કચ્છમાં આજની તારીખે અનેક ગામોમાં ટેન્કરના ટોળે વળીને લોકો પાણી ભરવા મજબૂર છે. સરકારી તંત્ર અને રાજકારણીઓના પ્રચારતંત્રના લીધે ગામડાઓની આવી વાસ્તવિક સ્થિતિ બહાર આવતી નથી.

કચ્છના આ ગામોમાં ટેન્કર વડે અપાય છે પાણી

 • ભચાઉ : બાંભણકા, બનિયારી, ધોળાવીરા, જેસડા, વામકા, નેર, અમરાપર
 • ભુજ : ધોરડો, ધ્રોબાણા, દિનારા, ગોરેવલી, ખારી, કોટાય, કુરન, ઉધમો, મીઠડી, રતડિયા, લુડીયા
 • રાપર : આડેસર, બેલા, ભિમાસર, ડાભુંડા, ગેડી, લોદ્રાણી, નાગલપર, રામવાવ, સાંય, સુખપર, વરણુ, ભરુડીયા, સોમાણીવાંઢ, વાડાપદ્ધર

કચ્છમાં ખાનગી ટેન્કર પણ રોકવા પડે છે
કચ્છમાં 20થી વધારે ગામોમાં ટેન્કર આધારીત પાણી વ્યવસ્થા હોવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા ખાનગી ટેન્કર રોકવામાં આવ્યા છે. ભુજ તાલુકાના એક ગામમાં જિલ્લા પંચાયતના ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવામા આવે છે. ભુતકાળમાં ટેન્કરના ફેરામાં અનેક કાૈભાંડો થયા છે. ત્યારે વર્તમાન સમયમાં પણ આવા ખોટા ફેરા બતાવવામાં નથી આવતા ને તે અંગે પણ તપાસ જરૂરી છે.

છ જિલ્લામાં ટેન્કરની મદદ લેવાય છે
21મી જૂનની સ્થિતિએ રાજ્યના કુલ 6 જિલ્લામાં ટેન્કર વડે પાણી આપવામાં આવ્યું હતું. જેમાં કચ્છમાં સૌથી વધારે 28 ગામોમાં તે દિવસે ટેન્કર વડે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વલસાડ જિલ્લામાં 23 ગામોમાં ટેન્કર વડે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. તો બનાસકાંઠામાં 14 ગામો, સુરેન્દ્રનગરમાં 8, દ્વારકામાં 9, ભરૂચમાં 9 ગામોમાં પણ પાઇપ લાઇન દ્વારા પાણી પહોંચાડી શકાયુ ન હતું.

અન્ય સમાચારો પણ છે...