લોકોને હાલાકી:કચ્છમાં પુરવઠા નિગમના ગોદામો ખાલીખમ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ માત્ર 10 ટકા મફત અનાજનું વિતરણ ? : 16મીથી મફત અને રાહતદરે વિતરણ વ્યવસ્થા શરૂ કરાશે
  • પરિવહન ટેન્ડર પ્રક્રિયા લટકતાં એક મહિનાથી ગબડાવાતું ગાડું : મોંઘવારીના માર વચ્ચે તહેવારો ટાંકણે જ જથ્થો ખુટી પડતાં લોકોને હાલાકી

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ટેન્ડર પ્રક્રિયા લટકી પડી છે, જેથી પરિવહન વ્યવસ્થા ઠપ્પ થતાં પુરવઠા ગોદામો ખાલીખમ પડ્યા છે, જેના કારણે રાશન વિતરણની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કચ્છમાં હજુ માત્ર 10 ટકા રાશનનું વિતરણ કરાયાનું કહેવાય છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાશનના પરિવહન માટેનું ટેન્ડર પૂરું થઇ ગયું છે અને એક મહિનાથી જેમતેમ કરીને ગાડું ગબડાવાય છે. કચ્છની વાત કરીએ તો તા.3-8થી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એન.એફ.એસ.એ. રાશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાનું શરૂ કરાયું હતું, જે પણ ગોદામો ખાલી જતાં માત્ર 10 ટકા જેટલું વિતરણ થયું હોવાનું કહેવાય છે.

હાલે ગોદામોની સ્થિતિ એવી છે કે, ખાંડ મળે તો ઘઉં ન હોય અને ઘઉં હોય તો ચોખા ન મળે. હવે તા.16-8થી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ અને એન.એફ.એસ.એ. રાશનકાર્ડ ધારકોને રાહતદરે મળતા રાશનનું વિતરણ કરાશે. સાતમ-આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોંઘવારીના માર વચ્ચે રાશન વિતરણની કામગીરી ઠપ્પ થતાં જરૂરિયાતમંદ લોકોની ઊંઘ ઉડી ગઇ છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોરોનાકાળમાં જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ બનવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ વિતરણના નામે મોટા ઉપાડે ભાજપ સરકારે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજી માત્ર તાયફો કર્યો હતો તેવામાં વરવી વાસ્તવિકતા અે છે કે, કચ્છ સહિત સમગ્ર રાજ્યના પુરવઠા ગોદામો ખાલીખમ છે.

ડિઝલના ભાવ વધ્યા પરંતુ તે મુજબ ટેન્ડર પ્રક્રિયા હાથ ન ધરાતાં પરિવહન સેવા ઠપ્પ
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી ડિઝલના લીટરના રૂ.70 મુજબ ટેન્ડર બહાર પડાતા હતા પરંતુ હાલે તેનામાં ભાવમાં તોતિંગ વધારો થતાં રૂ.100ની નજીક પહોંચી ગયો છે. જૂના ભાવ મુજબ ટ્રાન્સપોર્ટ સંચાલકોને ટેન્ડર ભાવ આર્થિક રીતે પરવડે તેમ નથી, જેની સીધી અસર રાશનના પરિવહન પર પડી છે. રાશનના પરિવહન માટેનું ટેન્ડર પૂરું થયાને અેક મહિના જેટલો સમય થવા આવ્યો છે પરંતુ નવું ટેન્ડર બહાર પડાયું નથી.

વૈકલ્પિક વ્યવસ્થામાં અડચણ ઉભી થઇ કામગીરી અટકી : પુરવઠા નિગમ મામલતદાર
આ અંગે પુરવઠા નિગમ મામલતદાર અશોક એચ. સુચકનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ટેન્ડરની પ્રક્રિયા ચાલુમાં છે તે વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઇ છે, જેમાં અડચણ ઉભી થતાં કામગીરી ખોરવાઇ છે, જે તા.13-8, શુક્રવારથી ચાલુ થઇ જશે.

રાશનનો કેટલો જથ્થો ફાળવાયો, તેમાંથી કેટલા ટકા વિતરણ થયું તેની વિગત નહીં મળે : હેડ કલાર્ક
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જિલ્લામાં રાશનનો કેટલો જથ્થો ફાળવાયો અને તેમાંથી કેટલા ટકા વિતરણ થયું છે તે અંગે પુરવઠા વિભાગના હેડ કલાર્ક ડી.જે. ઝાલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કેટલો જથ્થો ફાળવાયો તે ખબર પડે પરંતુ કેટલા ટકા વિતરણ થયું તે તો એક મહિના બાદ ખબર પડે. અત્યારે અમે કામમાં છીએ, જેથી તેની વિગત અત્યારે નહીં મળે સોમ, મંગળવારના મળે.