રૈયાડો જૂથ ગ્રામપંચાયત હેઠળના ગામોની સીમમાં વનતંત્ર દ્વારા હાથ ધરાતા કામો સામે વિરોધ ઉઠ્યો છે અને ગ્રામપંચાયતની પૂર્વ મંજૂરી વિના કોઇપણ કામગીરી હાથ ન ધરવા ખુદ સરપંચે નાયબ વન સંરક્ષકને લેખિત રજૂઆત કરી છે.
બન્ની ડિવિઝનના વન વિભાગના અધિકારી ચૌધરી દ્વારા રૈયાડોની સીમમાં પાણીના તળાવ, ખોદકામ અને અન્ય કામગીરીની તજવીજ હાથ ધરાઇ છે. અા માટે ગ્રામપંચાયત કે, ગ્રામસભામાં કોઇપણ જાતની લેખિત સહમતી કે, મંજૂરી લેવાઇ નથી. બન્ની ઘાસિયા મેદાન રક્ષિત છે, જે જાનવરો, યાયાવર પક્ષીઅો અને લુપ્ત થતા પશુઅો માટેનું આશ્રયસ્થાન છે. વધુમાં અા મેદાનમાં ઉગતો કિંમતી ઘાસચારો પશુઅો માટે આશીર્વાદરૂપ છે ત્યારે ગામના લોકોને, ગ્રામપંચાયતને વિશ્વાસમાં લીધા વિના, ચોક્કસ આયોજન વગર આડેધડ થતી કામગીરી પર્યાવરણ માટે નુકસાનકર્તા સાબિત થશે.
ગ્રામપંચાયતે સામૂદાયિક વન વ્યવસ્થાપન સમિતિની રચના કરી છે, જેથી ગ્રામપંચાયત કે, ગ્રામસભાની પૂર્વ મંજૂરી વિનાની કામગીરી ગેરકાયદેસરની ગણાય છે. વન વિભાગ કઇ યોજના હેઠળ શું કામગીરી કરવા માગે છે, સરકારના કયા સ્તરેથી તેની મંજૂરી અપાઇ છે સહિતની બાબતો ગ્રામપંચાયત અને વન વ્યવસ્થાપન સમિતિ પાસે લેખિતમાં રજૂ કર્યા વિના, પૂર્વ મંજૂરી વિના રૈયાડો જૂથ ગ્રામપંચાયત હેઠળના રૈયાડો, લાખારાવાંઢ, ખારોડ અને નોંધણીયાડો ગામની સીમમાં કોઇપણ પ્રકારની કામગીરી હાથ ધરાશે તો ગ્રામજનો તેનો વિરોધ નોંધાવશે અને અા દરમ્યાન જો કોઇ ઘટના બનશે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચિમકી સાથે સરપંચ જુલેખાબાઇ અદલ નોડેઅે નાયબ વન સંરક્ષક બન્ની ડિવિઝનને લેખિત રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.