પાવરમપટ્ટીના મુુખ્ય મથક નિરોણાના પશુ દવાખાનામાં છેલ્લા છ માસથી નિયમિત તબીબની જગ્યા ખાલી પડી છે પરિણામે એકમાત્ર ડ્રેસરના ભરોસે દવાખાનું ચાલે છે પણ દવાનો જથ્થો અપાતો ન હોવાથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા પાંચ વર્ષથી ઇન્ચાર્જ ડોક્ટરને મૂકીને આ દવાખાનું ચલાવાય છે પણ છેલ્લા કેટલાક સમયથી ઇન્ચાર્જ તબીબ પહોંચી શકતા ન હોવાથી સારવારની જવાબદારી ડ્રેસરના શીરે આવી છે. અગાઉ દવાનો જથ્થો આવતો ત્યારે ડ્રેસર જરૂરી સારવાર આપતા હતા પણ છેલ્લા કેટલાક સમયથી દવા ન મળતાં ડ્રેસર આખો દિવસ દવાખાનામાં સમય પસાર કરે છે.
આ અંગે ઇન્ચાર્જ ડો. અશ્વિન પટેલનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, નખત્રાણા પોતે એકમાત્ર તબીબ છે. આમ જવાબદારી વધુ હોતાં ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર યોજનાકીય કામગીરી માટે તેઓ આવે છે. દવાખનામાં દવા ન હોવાની બાબતે તેમનું ધ્યાન દોરાતાં પ્રાથમિક સારવાર માટે જરૂરી દવાઓ નિરોણાના પશુ દવાખાનામાં પહોંચાડવાની ખાતરી આપી હતી. દરમિયાન સરહદ ડેરી દ્વારા પાવરપટ્ટી પંથકમાં પશુ દવાખાનું શરૂ કરાય તેવી માગ માલધારીઓ કરી રહ્યા છે.
એનિમલ એમ્બ્યૂલન્સની સેવા પણ થઇ મર્યાદિત
રાજ્ય સરકાર દ્વારા પશુ સારવાર માટે 1962 હેલ્પ લાઇન સાથે એનિમલ એમ્બ્યૂલન્સ સેવા શરૂ કરાઇ છે પણ તેમા નખત્રાણા તાલુકાના મર્યાદિત ગામોનો સમાવેશ કરાયો છે જેથી અન્ય ગ્રામ્ય વિસ્તારો તેની સેવાથી વંચિત રહી જાય છે. આ દિશામાં પણ યોગ્ય પગલાં ભરાય તેમ પશુ પાલકો ઇચ્છી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.