કચ્છમાં 20 દી’માં 10 ટકા જ કામગીરી:વિધવા સહાયની ખરાઈ શરૂ કરાઇ પણ માહિતીના અભાવથી કામગીરીને અસર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરનામા, મોબાઈલ સહિતની વિગતોની અધુરાશથી સર્જાઈ મુશ્કેલી

ગુજરાત સરકાર દ્વારા ગંગાસ્વરૂપ વિધવા મહિલાઓને માસિક પેંશન રૂપે આર્થિક સહાય ચુકવવામાં આવે છે,આવી મહિલાઓને સમયસર પેંશન મળે છે કે કેમ? તેની ખરાઈ કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા હાલમાં સહાય મેળવતી વિધવા મહિલાઓનું વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે પણ નવાઈ વચ્ચે દરેક બાબતોમાં અગ્રસ્થાને રહેતા આ જિલ્લામાં વેરિફિકેશનની 20 દિવસમાં માત્ર 10 ટકા જ કામગીરી થઈ છે.

આ અંગેની વિગતો મુજબ, કચ્છમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો મળી અંદાજે 28 હજાર બહેનો સરકારી વિધવા સહાય મેળવે છે જેઓનું હાલમાં વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે આઇસીડીએસ વિભાગ અને જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરીને જવાબદારી સોંપવામાં આવી છે જેને આધારે વેરિફિકેશન શરૂ તો કરાયું છે પણ લાભાર્થી બહેનોના સરનામા,મોબાઈલ નંબર સહિતની પૂરક માહિતીના અભાવ તેમજ ખોટી માહિતીના કારણે તંત્રને વિધવા મહિલાઓ મળતી નથી જેથી 20 દિવસમાં 28 હજાર પૈકી માત્ર 3 હજાર મહિલાઓનું જ વેરિફિકેશન થઈ શક્યું છે ત્યારે મહિલાઓ આ કામગીરીમાં તંત્રને સહકાર આપી પોતાનું વેરિફિકેશન કરાવે એ જરૂરી છે.

શહેરી વિસ્તારમાં સમસ્યા વધુ,આવી રીતે કરાવી શકાશે ખરાઈ
જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી અવનીબેન રાવલે જણાવ્યું કે,જિલ્લામાં અત્યારસુધી 3 હજાર મહિલાઓનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે હજી પણ 25 હજાર મહિલાઓની ખરાઈ બાકી છે ટિમો દ્વારા આવી મહિલાઓ પાસે જઈ ખરાઈ કરવામાં આવી રહી છે પરંતુ સરનામા અને મોબાઈલ નંબરની પૂરતી માહિતીના અભાવે મહિલાનો સંપર્ક થઈ શક્યો નથી.

ભુજ,અંજાર,ગાંધીધામ સહિતના શહેરી વિસ્તારોમાં વેરિફિકેશન માટે વધુ સમસ્યા જોવા મળે છે ખરાઈ કરવા માટે વિધવા સહાય મેળવતી બહેનોએ મામલતદાર કચેરીમાં ઓપરેટરનો સંપર્ક કરવાનો રહેશે જો ઓપરેટર દ્વારા યોગ્ય જવાબ આપવામાં ન આવે તો અત્રેની કચેરીના સંપર્ક નંબર 02832 230010 પર સંપર્ક કરી જાણ કરી શકે છે.

લેભાગુ તત્વોથી સાવધાન રહો
મહિલાઓ મામલતદાર કચેરીમાં વેરિફિકેશન કરાવવા માટે જાય ત્યારે લેભાગુ તત્વોથી સાવધાન રહે એ જરૂરી છે મોટાભાગની મહિલાઓનું આધારકાર્ડ લિંક થયેલુ છે તેમ છતાં ખરાઈ માટે મહિલાઓને આધારકાર્ડ સાથે આવવા જણાવાયું છે મામલતદાર કચેરીમાં અનઅધિકૃત વ્યકતીઓ દ્વારા આધારકાર્ડ માંગવામાં આવે તો ન આપવા પણ તંત્ર દ્વારા જણાવાયું છે.નોંધનીય છે કે, જિલ્લા સમાહર્તા દ્વારા વખતો વખત સરકારી કચેરીઓમાં લેભાગુઓથી લોકોને સાવધાન રહેવા અપીલ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...