મહામારી ઘટી, તેજી વધી:ભૂજમાં વાહનોની રજિસ્ટ્રેશન આવક પ્રિ-કોવિડ સ્તરે: ગત વર્ષ કરતાં 84 કરોડનો વધારો

ભૂજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે કોરોનાને કારણે વાહનની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો
  • 2021માં 223.55 કરોડ જયારે 2020માં 137.37 કરોડની આવક

કોરોનાના લીધે નવા વાહનોના વેચાણ સહિત આરટીઓની આવકમાં પણ ઘટાડો થયો હતો. પરંતુ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે અોક્ટોબર સુધી વાહન સબંધિત રજિસ્ટ્રેશનની આવકમાં વધારો 2021માં થયો છે. ભુજની આરટીઓમાં ગતવર્ષની સરખામણીમાં વાહન સંબંધિત રજિસ્ટ્રેશનની આવકમાં 84 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2019ના અોક્ટોબર માસ સુધી વાહન રજીસ્ટ્રેશનની અાવક 230.93 કરોડ હતી, તો 2020માં 137.37 કરોડ અને 2021માં 223.55 કરોડ થઇ છે. અામ, કચ્છમાં વાહનોના રજીસ્ટ્રેશનની અાવક પ્રિ-કોવિડ સ્તરે પહોંચી હતી.

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં કોરોના દરમિયાન રજીસ્ટ્રેશન અને વાહનને લગતી અાવક બંધ હતી પણ રોડ પર દોડતા વાહનો પૈકી ચેકિંગ દરમિયાન અાવક નોંધાઇ હતી. આઇટીઆઇમાં કાચા લાઇસન્સની કામગીરી ટ્રાન્સફર કરાયા બાદલાઇસન્સ ફીની આવકમાં ઘટાડો નોંધાયો છે.

પસંદગીના નંબરની આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં ખાસ વધારો જોવા મળ્યો નથી. ઓનલાઇન પ્રોસેસને કારણે વાહન માલિકોે પસંદગીના નંબરમાં રસ ઘટયો છે, સિસ્ટમ હજી સરળ થાય તો આવકમાં વધારો થવાની શક્યતા છે. 2019ના વર્ષ દરમિયાન અાર.ટી.અો.ને વાહન રજીસ્ટ્રેશનની અાવક 263.54 કરોડ થઇ હતી અને અોક્ટોબર માસ સુધી 230.93 કરોડ હતી. ગત વર્ષે અોક્ટોબર 2020 સુધી અાર.ટી.અો.ને વાહનને લગતી 137.37 કરોડ રૂપિયા અાવક થઇ હતી તો અાખા વર્ષ દરમિયાન 171.63 કરોડ રૂપિયા હતી. અામ, ચાલુ વર્ષે અત્યાર સુધી 223.55 કરોડ રૂપિયા નોંધાઇ હોવાથી ગત વર્ષના અોક્ટોબર કરતા 84 કરોડ રુપિયાનો વધારો નોંધાયો છે. અાર.ટી.અો.ને વાહન રજીસ્ટ્રેશનની અાવક પ્રિ-કોવિડ સ્તરે પહોંચી છે.

એનઆઇસી ફરિયાદોનો ઝડપી નિકાલ કરાતો નથી
નેશનલ ઇર્ન્ફમેટિવ સેન્ટર (એન.આઇ.સી.) તરફથી ઝડપથી ફરિયાદોનો નિકાલ થતો નથી. આરટીઓની કામગીરી દરમિયાન ઓનલાઇન ફી ભરવામાં ખાતામાંથી બે વાર નાણાં ડેબિટ થઇ જાય તો તેને પરત લેવા માટે આરટીઓ તેમજ વાહનવ્યવહાર વિભાગમાં વારંવાર મેઇલ કરવા પડે છે. જેના માટે સરળ સિસ્ટમ હોવી જોઇએ. પ્રત્યેક આરટીઓમાં એક અધિકારીને જવાબદારી સોંપવી જોઇએ.

મુન્દ્રા પંથકમાં યોગ્ય ચેકિંગ કરાય તો અાવકમાં વધારો થાય
મુન્દ્રા પંથકમાં અોવરલોડ અને અોવરસાઇઝ-હાઇટ વાહનો બેફામ દોડી રહ્યા છે તો ખનીજમાં ચાલતા વાહનો પણ અાર.ટી.અો.ના નિયમનું ભંગ કરતા હોય છે. અાર.ટી.અો.માં છેલ્લા થોડા સમયથી અાવેલા અેક અાસિ. ઇન્સ્પેકટર ખુદ ટ્રાન્સપોર્ટરોના કમિશનીયા અેજન્ટ બની તમામ ઇન્સ્પેકટરો સાથે ગોઠવી અાપ્યું છે. અેક ગાડી પાછળ 500 રૂપિયા કમિશન સેટ કરી લાઇન ગોઠવી અાપી છે. મુન્દ્રા પંથકમાં સખત ચેકિંગ કરવામાં અાવે અને અાવા ભ્રષ્ટ તત્વો સામે સખત કાર્યવાહી થાય તો સરકારની અાવકમાં વધારો નોંધાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...