કાર્યવાહી:નાણાંકીય કૌભાંડમાં દરશડી ગ્રામ પંચાયતના વીસીઇની ધરપકડ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોગસ આધારકાર્ડ બનાવી કૃષિ સહાય મેળવાઇ હતી
  • આરોપીએ કૌભાંડને દબાવવા છાને પગલે રકમ પણ ચૂકવી

માંડવી તાલુકાના દરશડી ગ્રામ પંચાયતના વીસીઇ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે તેમજ આ પ્રકરણમાં વીસીઇ રાજેશ ધોળુને ઉઠાવીને પોલીસે પુછપરછ કરતા વધુ ઘટસ્ફોટ થવા પામ્યા છે.ગ્રામ પંચાયતમાં વીસીઇ તરીકે નોકરી કરતો રાજેશ પ્રેમજી ધોળુ પોતાની પાસે આધારકાર્ડમાં નામ કમી અને સુધારા કરાવવા માટે આવતા અરજદારોના કાર્ડની ખરી નકલ પોતાની પાસે સાચવી રાખતો તેમજ રાજેશે સ્કેનરની મદદથી આધારકાર્ડની નકલમાં નામ બદલી આ ખોટા આધારકાર્ડ સાથેની અરજી મુન્દ્રા તાલુકા પંચાયતમાં કૃષિ સહાય મેળવવા માટે મોકલી હતી.

તેમજ તેની સાથે લાભાર્થીના બદલે પોતાના અને સગા-સંબંધિઓના બેંક ખાતાની નકલી મોકલી હતી. જેથી ખોટા આધારકાર્ડ પર આરોપી રાજેશે કરામત કરીને સરકારી સહાય પોતાના અને મળતિયાઓના ખાતામાં જમા કરાવી નાખી હતી. બાદમાં આ મુદ્દે એક અરજદારને ભનક પડી જતા સમગ્ર કૌભાંડને દબાવવા માટે રાજેશે બેંકમાંથી રૂપિયા કાઢી મુળ અરજદારને નાણાં આપી તેની પાસેથી પહોંચમાં સહી પણ કરાવી લીધી હતી. સરકારી સેવક દ્વારા કરવામાં આવેલી આ ગોબાચારી અંગે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરાઇ હતી.

બાદમાં પોલીસમાં નકલ અપાતા ગઢશીશા પોલીસે સમગ્ર કેસમાં ઉંડા ઉતરીને નિવેદનો મેળવતા સરકારી નોકર તરીકે વીસીઇ રાજેશ ધોળુની સ્પષ્ટ બેદરકારી જણાઇ આવતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીએસઆઇ વિજયસિંહ ઝાલાએ જણાવ્યું કે, કર્મચારી રાજેશ ધોળુની અટકાયત કરી તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

આરોપીએ 15થી વધુ લોકોના આધારકાર્ડનો ઉપયોગ કરીને સહાય માટે અરજી કરી નાણાં પોતાના અને મળતિયાના ખાતામાં જમા કરાવી બાદમાં લાભાર્થીને આ રકમ પરત આપી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.અલબત્ત અત્યાર સુધી કેટલી અરજીઓ કરી છે ? કેટલી રકમ મેળવી છે ? તેમજ અન્ય કોઇ ગેરરિતીને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં તપાસ ચાલી રહી હોવાનું કહ્યું હતું.

23 લાખના સણસણતા સવાલ મુદ્દે તંત્ર રહ્યું નિરૂત્તર
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે 7/12, 8અ સહિતની કાયદાકીય કાર્યવાહી માટે વીસીઇ દ્વારા ફોર્મ ભરવામાં આવતા હોય છે. જેના પેટે કરવામાં આવતા ખર્ચમાં વીસીઇને સ્ટેશનરી ખર્ચ તેમના ખાતામાં જમા કરવામાં આવતી હોય છે. રાજેશ ધોળુના ખાતામાં પણ આ પ્રકારે સ્ટેશનરીની રકમ જમા હતી, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે, સ્ટેશનરીનો ખર્ચ 200-500થી બે-પાંચ હજાર હોય, પરંતુ રાજેશ ધોળુના ખાતામાં 23 લાખ જેટલી માતબર રકમ જમા બોલે છે. જે ખરેખર મોટા કૌભાંડ કે ગેરરીતિ તરફ અંગુલી નિર્દેષ કરે છે. આ બાબતે સત્ય હકીકત જાણવા મામલતદારનો સંપર્ક કરતા તેમણે આ મુદ્દો પંચાયતનો હોવાથી તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી હશે તેવું કહેતા ટીડીઓ વી.બી.ગોહિલને પુછતા તેમણે માહિતી વિસ્તરણ અધિકારી પાવરાભાઇ હોવાનું કહ્યું હતું. પાવરા ભાઇને પુછતા તેમણે એકાઉન્ટ અને તેમાં જમા થતી રકમ મુદ્દે મામલતદાર કચેરી દ્વારા કામગીરી થતું હોવાનું જણાવ્યું હતું. જેથી આ સમગ્ર મુદ્ેે એકબીજા પર ફેંકાફેંકી થતા મામલો નિરૂત્તર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...