• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Vandhiya Village Group Of Bhachau Village Panchayat Election Battle Culminates, Another Village Joins Public Support Rally

પંચાયતની ચૂંટણીના પડઘમ:ભચાઉના વાંઢિયા ગામની જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ ચરમસીમાએ, જન સમર્થન રેલીમાં પોણું ગામ જોડાયું

ભુજએક મહિનો પહેલા
  • બે પેનલ વચ્ચે પાંચ ગામના સમન્વય ધરાવતી વાંઢિયા જૂથ પંચાયતની ચૂંટણી યોજાશે
  • તાલુકાના 72 ગામ પૈકી આદર્શ ગામનો ખિતાબ મેળવેલી પંચાયત સુવિધાથી સજ્જ
  • ધોરીમાર્ગથી 4 કિલોમીટર અંદર આવેલા ગામમાં લોકો માટે વિનામૂલ્યે રિક્ષાની સેવા

ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા વાંઢિયા ગામમાં હાલ કુલ પાંચ ગામના સમન્વય ધરાવતી જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બે પેનલે દાવેદારી નોંધાવી છે. બંન્ને પક્ષે પ્રચાર-પ્રસાર સાથે ચૂંટણી જંગ જીતવા વ્યાયામ આદરાયો છે. અઢારે આલમ ધરાવતા વાંઢિયા, લાખાપર, મોડપર, ગોડપર અને લગધીરગઢ ગામ સાથેની વાંઢિયા જૂથ ગ્રામ પંચાયતમાં વિકાસની કામગીરી સામે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ચૂંટણીમાં ઝંપલાવવામાં આવતા ચૂંટણી રસપ્રદ બની છે.

સંપૂર્ણ ગામ CCTV કેમેરાથી સજ્જ

ગામની ગત ટર્મમાં સ્ત્રી અનામત બેઠક પરથી ચૂંટાયેલા સરપંચ રોહિણીબા જાડેજાના પતિ કૃષ્ણદેવસિંહ જાડેજાએ ગેસના ચૂલાના નિશાન સાથે જૂથ પંચાયતના 10 વોર્ડ પર પોતાની પેનલના સભ્યો સાથે સરપંચ પદે ઝુકાવ્યું છે. ગત પાંચ વર્ષ દરમિયાન તેમણે કરેલી કામગીરીના વિશે તેમણે કહ્યું હતું કે તેમણે વાંઢિયા ગામમાં ત્રણ શુદ્ધ પાણીના વોટર પ્લાન્ટ લગાવ્યા છે. સંપૂર્ણ ગામ CCTV કેમેરાથી સજ્જ છે.

ગામમાં પાણી અને ગટરની યોગ્ય વ્યવસ્થા

તેમણે જણાવ્યું હતું કે તમામ વિસ્તારોમાં પેવરબ્લોક લગાડવામાં આવ્યા છે. આપાતકાલીન કે જરૂરી સૂચના આપવા ગામના માર્ગો પર લાઉડ સ્પીકર લગાડવામાં આવ્યા છે. પાણી અને ગટરની વ્યવસ્થા ઉભી કરાઈ છે. અમારું ગામ હાઇવેથી 5 કિલોમીટર અંદર પડે છે એ માટે ગ્રામજનોને હાઇવે સુધી મુકવા જવા માટે રિક્ષાની વિનામૂલ્યે સેવા કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે અમે આગામી દિવસોમાં ચૂંટાઈ આવ્યા બાદ ગ્રામ આરોગ્ય કાર્ડની યોજના અમલમાં લાવશું. જેમાં સ્થાનિક અને આસપાસના ગામોમાં સામાન્ય બીમારી માટે રૂ. 1000 સુધીનો ખર્ચ ગ્રામ પંચાયત સ્વંભંડોળમાંથી ભોગવશે. જેની સાથે જરૂરતમંદ લોકોને બીપીએલ કાર્ડમાં સમાવેશ કરી સરકારી લાભ પણ અપાવશું. તેમને વિશ્વાસ છે કરેલા વિકાસના કાર્યોના બળે તેઓ જીતશે અને પાંચે ગામની અઢારે આલમની પ્રજાના હિતના કાર્યો કરશે.

મુંબઇ સહિતના વિસ્તારોમાંથી લોકો વતને આવ્યા

રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે આગામી તા. 19 ના યોજાનાર વાંઢિયા જૂથ પંચાયતની ચૂંટણીમાં મુંબઇ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વસતા લોકો વતને આવી પોતાનો નાગરિક ધર્મ નિભાવવા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અંદાજિત બંન્ને પક્ષે 15 થી વધુ ટ્રાવેલ્સ બસો મતદાન માટે આવી રહ્યાનું પણ જાણવા મળ્યું હતું. બીજી તરફ સામે પક્ષના સરપંચ પદના ઉમેદવાર અને ગત ટર્મમાં ઉપ સરપંચ પદે રહેલા રાજેશ માદેવાભાઈ પટેલ પણ પોતાની પેનલ સાથે 10 વોર્ડમાં ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહ્યા છે. આ વિશે તેમણે જણાવ્યું હતું કે અમે ગામનો વિકાસ કરવાના મુદ્દા સાથે ચૂંટણી લડી રહ્યા છીએ અને આ માટે પ્રચાર-પ્રસાર કરી રહ્યા છીએ.

પંચાયત બિન હરીફ થવી જોઈએ : અગ્રણી

અલબત્ત ગામના સામાજિક અગ્રણી નરેન્દ્ર જગદીશભાઈ રાજગોર સાથે વાત કરતા તેમણે પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે જે પ્રમાણે ગામનો વિકાસ થયો છે તે પ્રમાણે આ પંચાયત બિન હરીફ થવી જોઈએ. જો સમીકરણોની વાત કરવામાં આવે તો આ પંચાયતને પાંચ ગામ લાગે છે જેમાં દરેક સમાજના લોકો રહે છે, તેથી જાતિગત સમીકરણો કામ કરે એવી શક્યતાઓ ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...