મુન્દ્રામાં મૃતકને કાગળ પર રસી આપી!:વૃદ્ધ મહિલાના અવસાનના 7 મહિના બાદ વેક્સિન મૂકાવી હોવાનો મેસેજ આવ્યો!

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર - Divya Bhaskar
મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર
  • લક્ષ્યાંક પૂરો કરવા માટે કોરોનાની રસી અપાઇ ગઇ છે તેવા બોગસ મેસેજનાે મારા વચ્ચે લાપરવાહ આરોગ્ય વિભાગ હવે હદ કરે છે

કચ્છમાં કોરોના રસીકરણની કામગીરીમાં ટાર્ગેટ પૂર્ણ કરવા માટે હવે રીતસરના ગતકડાં કરવામાં આવી રહ્યા છે.અત્યારસુધી જે લોકો વેકસીન મુકાવવા આવતા નથી તેઓને આરોગ્ય વિભાગ દ્વારા ફોન કરીને વિનવણી કરવામાં આવતી હતી જોકે હવે તો મનસ્વી રીતે આડેધડ રસી મુકાવ્યાના મેસેજ પણ મોકલવામાં આવી રહ્યા છે.હદ તો ત્યાં થઈ કે જીવિત વ્યક્તિ તો ઠીક પણ જે લોકો દુનિયામાં હયાત નથી તેઓને પણ આરોગ્ય વિભાગ વેકસીન આપી રહ્યું છે જેથી કામગીરી સામે રીતસરના સવાલો ઉઠવા પામ્યા છે.

મૃતક વ્યક્તિનો કોરોના રસીકરણનું સર્ટિફિકેટ
મૃતક વ્યક્તિનો કોરોના રસીકરણનું સર્ટિફિકેટ

મુન્દ્રા શહેરમાં સાત માસ પૂર્વે અવસાન પામેલા વૃદ્ધ મહિલાને આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવામાં આવી છે જે ખરેખર અચરજ પમાડે તેવી ઘટના છે.મુન્દ્રા શહેરમાં રહેતા ખીલન મહેતાના જણાવ્યા અનુસાર,તેમના માતા સ્વ. મીનાક્ષીબેન મહેતાએ ૧૪/૦૩/૨૦૨૧ ના કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.ત્યાર બાદ ૧૦/૦૪/૨૦૨૧ ના તેમનું કુદરતી મૃત્યુ થયું હતું. જેનું મરણ પ્રમાણપત્ર તા. ૧૫/૦૪/૨૦૨૧ ના રોજ કઢાવવામાં આવ્યું છે.દરમ્યાન અચાનક તા. ૧૬/૧૧/૨૦૨૧ ના ખીલન મહેતાના મોબાઈલ પર એક મેસેજ આવ્યો કે સ્વં.મીનાક્ષી બેન મહેતાએ સફળતાપૂર્વક કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. જેથી ખુદ પરિવાર અચરજમાં મુકાઈ ગયો છે આ બાબતે આરોગ્ય વિભાગમાં રજુઆત કરવા છતાં કોઈ સાનુકૂળ જવાબ સાંપડયો નથી.

અગાઉ બોગસ મેસેજ અને બીજા ડોઝની સંખ્યા વધુ બતાવાઈ હતી
મુન્દ્રામાં તાલુકા આરોગ્ય વિભાગની કામગીરી ખરેખર શંકાના દાયરામાં છે કારણકે અગાઉ વેકસીન ન મુકાવનારા લોકોને રસી મુકાવી લીધાના બોગસ મેસેજ મોકલવામાં આવતા હતા. જે બાદ તાલુકામાં પ્રથમ ડોઝ કરતા બીજા ડોઝની સંખ્યા એકાએક વધી ગઈ હતી. જે બાદ નવા છબરડા રૂપે મૃત વ્યક્તિને રસી આપી દેવાઈ છે. આવા તો અનેક લોકોને મેસેજ મળ્યા છે પણ સંબંધિત અધિકારીઓને પૂછવામાં આવે તો તેઓ પોતાની માનવીય ભૂલ સોફ્ટવેર પર ઢોળી દઈ ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરે છે.

100 ટકા કામગીરી પૂર્ણ કરવાની રાજરમત
વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે,આ છબરડાઓ સોફ્ટવેરની નહિ પણ માનવીય ભૂલના કારણે થઈ રહ્યા છે ઉપરથી 100 ટકા કામગીરી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવે છે. જેથી માણસો મળતા ન હોવાથી શામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને બોગસ મેસેજ મોકલીને ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવે છે.

સોફ્ટવેરની ભૂલ હોય તો વેક્સિન આપનારનું નામ કઈ રીતે આવે
આરોગ્ય વિભાગના અધિકારીઓ આવી ઘટનાઓ પાછળ ટેક્નિકલ એરર હોવાનું કારણ આગળ ધરી રહ્યા છે પણ મુદ્દો ત્યાં છે કે સર્ટિફિકેટમાં વેક્સિન આપનારનું નામ અને સ્થળ પણ લખવામાં આવે છે.જો સોફ્ટવેરની ભૂલ હોય તો વેકસીન આપનારનું નામ કેવી રીતે નક્કી થાય છે ? તે વાત ગળે ઉતરે તેમ નથી.

સિસ્ટમમાં ખામી છે, મૃત વ્યક્તિને રસી આપવા સિવાય વિકલ્પ જ નથી
મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારી ડો.ક્રિષ્નાબેન ઢોલરિયાને પૂછતાં તેમણે જણાવ્યું કે,મૃત વ્યક્તિનું નામ પોર્ટલ પરથી કમી કરવામાં આવે તો બીજા દિવસે ફરી સિસ્ટમમાં આવી જાય છે. કોઈ વિકલ્પ ન હોવાથી બીજો ડોઝ મુકાવી લીધો છે તેવો મેસેજ મોકલી દેવાય છે.જીવિત વ્યક્તિને પણ આ પ્રકારે મેસેજ મોકલવામાં આવતા હશે તે પ્રશ્ન બાબતે કહ્યું કે જે લોકોનો ડોઝ ડયુ થઈ જાય તેને મેસેજ આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...