આજરોજ પાણી પુરવઠા કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ભચાઉ ખાતે GWIL ના વોટર પ્લાન્ટ તેમજ ગુજરાત વોટર સ્ટોરેજ એન્ડ સેવરેજ બોર્ડના ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ વ્યવસ્થાઓ અને સુવિધાઓનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યુ હતું.
ભચાઉ અને રાપરના છેવાડાના વિસ્તાર સહિત સમગ્ર કચ્છને ગુણવતાસભર, સમયસર અને પુરતુ પાણી મળી રહે તે બાબતે અગાઉ શરૂ કરેલા કામોની પ્રગતિનું જાત મૂલ્યાંકન કરવા તેમજ હાલ પાણી બાબતે કચ્છની સ્થિતિનું વિહંગાવલોકન કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીએ GWILના બાર એમ એલ ડીની કેપીસીટીના વોટર પમ્પિંગ પ્લાન્ટ અને ગુજરાત વોટર એન્ડ સ્ટોરેજ બોર્ડના ફિલ્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કરી મુલાકાત લીધી હતી.
આ તકે અગાઉની રજુઆતો પરના પ્રગતિ હેઠળના કામોની વિગતો મેળવી જરૂરી તમામ કામ ઝડપી કરવા તાકિદ કરી હતી. વધુમાં પાણીના પ્રશ્નોનું હંગામી નહીં પરંતુ કાયમી નિવારણ આવે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સબંધિતોને જણાવ્યું હતું.
આ તકે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ચીફ એન્જિનિયર અશોક વનરાએ કચ્છમાં પાણીની વિતરણ વ્યવસ્થા અને તેને સંલગ્ન ચાલતા વિવિધ પ્રોજેકટ્સનો ચિતાર આપ્યો હતો. આ મુલાકાત દરમ્યાન મંત્રીની સાથે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોષી, ભચાઉ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, રાપર તાલુકા પંચાયત ઉપપ્રમુખ કાનજીભાઇ ગોહિલ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.