કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાજેતરમાં પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકનો ચાર્જ સિનિયોરિટીને ધ્યાને લઈને સોંપવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે મુદ્દે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે ડી.પી.ઈ.ઓ.ને અને સંગઠન દ્વારા રાજ્ય સ્તરે નિયામકને પુન:વિચારણા કરવા જણાવાયું છે.
પરિપત્રમાં મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ ફરજિયાતપણે શાળાના સિનિયર શિક્ષકને લેવા સૂચના આપવામાં આવી છે. ચાર્જ ન લેનારા શિક્ષકને તેના ખાનગી અહેવાલમાં તેની નોંધ કરવાની છે. જે નોંધના આધારે ઉચ્ચત્તર પગાર ધોરણ અને બઢતી અટકાવવાની કે પરત લેવાની ચીમકી આપવામાં આવી છે, જેથી શિક્ષકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શિક્ષક સંગઠન પાસે રજૂઆત આવતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી રશ્મિકાંત ઠક્કર, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, ભુજ યુનિટના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મંત્રી મેહુલ જોષી, માંડવી યુનિટના પ્રમુખ આશાભાઈ રબારી, મમતાબેન ભટ્ટ સહિતના આગેવાનો જિલ્લા પંચાયત દોડી ગયા હતા. જેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિને રૂબરૂ મળ્યા હતા અને વિવાદાસ્પદ પરિપત્ર પરત ખેંચવા માંગ કરી હતી
વિકલાંગ અને મહિલા શિક્ષિકાની તકલીફ ધ્યાને લેવાઈ નથી
રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મહિલા શિક્ષિકાઓનું પ્રમાણ સવિશેષ છે. મહિલાઅોને પોતાના પરિવારના સભ્યો, ખાસ કરી નાના બાળકો સંભાળવાની પણ જવાબદારી હોય છે. કેટલાક કિસ્સાઓમાં સિનિયર શિક્ષક અંધ, અપંગ, અશક્ત કે ગંભીર બીમારીથી પીડિત હોય છે. વળી મુખ્ય શિક્ષક એ કોઈ બઢતીની જગ્યા નથી. એ એક સંચાલન વ્યવસ્થાનો ભાગ માત્ર છે. જે માટે અલગ પગાર ધોરણ પણ નથી. માત્ર 250 રૂપિયા જેવી નજીવી રકમ એલાઉન્સ પેટે મળે છે. એટલે અેમાં ખાનગી અહેવાલ કે પગાર ધોરણ સાથે તેને કોઈ લેવાદેવા નથી. જે તર્કબદ્ધ રજુઆત બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે તેમના સ્તરેથી યોગ્ય કરવા આશ્વાસન આપ્યું હતું.
નિયામકે મૌખિક સૂચના આપી
અખબારી યાદીમાં જણાવાયું હતું કે, વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ રજૂઆતના પગલે નિયામકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મૌખિક સૂચના આપી હોવાનું જાણવા મળેલ છે. નિયામકની સૂચનાને પગલે ડી.પી. ઇ. ઓ. એ પણ જિલ્લાના તમામ ટી.પી.ઇ.ઓ.ને હાલ પત્ર નો અમલ ન કરવા સંદેશ મોકલ્યો છે. એટલે આ પરિપત્ર તાત્કાલિક લેખિત સ્વરૂપે રદ્દ થાશે તેવું મનાઇ રહ્યું છે.
.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.