અબડાસા તાલુકાના સરહદી વિસ્તારમાં દરિયા કિનારે આવેલા રાપરગઢ ગામની પાસે પિંગલેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીં શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિર 500 વર્ષથી પણ વધારે જૂનું હોવાનું મંદિરના મહંત પુરુષોત્તમ બાપુએ જણાવ્યું છે. લોકવાયકા મુજબ, વર્ષો અગાઉ રાપરગઢની ગાયોને કોઈ ગોવાળ આ જગ્યાએ ચરાવવા લાવતો હતો. જેમાં એક દૂઝણી ગાય પોતાના માલિકના ઘેર સાંજે દૂધ આપતી ન હતી. જેના કારણે ગોવાળ પર આક્ષેપ કરાતા, તે અંગેની તપાસ થતા, તે ગાય પોતાની જાતે આવતી અને તેના આંચળમાંથી સ્વયંભૂ રીતે દૂધની ધારાઓ નીકળીને આ જગ્યાએ પડતી હતી. જેથી તપાસ કરતાં અહીં શિવલિંગ મળ્યું હતું.
અન્ય એક લોકવાયકા મુજબ, વર્ષો અગાઉ આ જગ્યાએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ દ્વારા, પોતાની જરૂરિયાત મુજબ નાણાની માંગણી કરવામાં આવે અને પરત કરવાનો સમય જણાવવામાં આવે તો, આ જગ્યાએથી તેમને જરૂરિયાત મુજબ નાણાં મળી જતા. આથી આ જગ્યા રોકડિયા મહાદેવ નામ તરીકે પણ ઓળખાતી થઈ હતી, પણ સમય વીતતાં કોઈ એક વ્યક્તિએ નક્કી કરેલી સમય મર્યાદામાં નાણાં પરત કરવાની બદલે બીજી વખત નાણાંની માંગણી કરી હતી.
બીજી વખતની માંગણી ન સંતોષાતા, તે વ્યક્તિએ ક્રોધમાં આવીને શિવલિંગ પર કુહાડાના ઘા મારીને શિવલિંગને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં તે વ્યક્તિ આંધળો થઈ ગયો હતો. આજે પણ શિવલિંગ પર કુહાડાના ઘા ના નિશાન જોવા મળે છે. આ મંદિરનું પૌરાણિક રીતે ખૂબ મહત્વ હોવાથી તેમજ દરિયા કિનારે હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ જગ્યાએ ભોજનાલય, ગૌશાળા તેમજ અતિથિ રૂમની વ્યવસ્થા પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.