કચ્છ જિલ્લામાં ભૂકંપના આફ્ટરશોક અવિરત નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને ભૂકંપ ક્ષેત્ર 5માં આવતા કચ્છમાં આવેલા 2001ના મહા ભૂકંપ બાદ સતત ધરા ધ્રુજી રહી છે. જેમાં આજે શુક્રવારે વધુ બે આંચકા અંજારના દુધઈથી 19 અને 20 કિલોમીટર દૂર બપોરે 12.22 કલાકે નોંધાયા હતા. એક જ સમયે એક કિલોમીટરના વિસ્તારમાં કેન્દ્ર બિંદુ ધરાવતા 2.7 અને 3.4ની તીવ્રતાના આંચકા દુધઈથી 19 કિલોમીટર દૂર ઉત્તર તરફ નોંધાયા હતા. જો કે તેની અસર ભચાઉના વામકા અને આસપાસના ગામોમાં વર્તાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સપ્તાહ દરમિયાન રાપર નજીક આવેલા ધરતીકંપના આંચકાઓ બાદ હવે ફરી દુધઈ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા આફટરશોક ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે નોંધાયા હતા. આમ તો સદીઓ દરમિયાન કચ્છમાં અનેક મોટા ભૂકંપ આવ્યા હોવાનું નોંધાયેલું છે. પરંતુ 2001ના ધરતીકંપ બાદ શરૂ થયેલા આફટરશોક અવિરત ચાલુ રહેવા પામ્યા છે. જો કે જાણકારોના મતે આફ્ટરશોકથી ડરવાની જરૂર નથી. અલબત્ત આજે દુધઈથી 19 અને 20 કિલોમીટર દૂર રણ કાંઠા નજીક આવેલા આંચકાની અસર ભચાઉના વામકા અને તેની આસપાસના માય, તોરણીયા સહિતના ગામોમાં વર્તાઈ હોવાનું જ્યેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.