સપ્તાહ પૂર્વે જખૌના દરિયામાં ભારતીય સમુદ્ર જળસીમાની અંદર પાકિસ્તાની બોટમાં 280 કરોડના જથ્થા સાથે નવ ખલાસી પકડાયા હતા, જેમાં જથ્થો સ્વિકારનાર દિલ્હીના ચાર શખ્સોને પણ એ.ટી.એસ.-એન.સી.બી.ની ટીમે ઉઠાવી લીધા હતા. જો કે બિનવારસુ ચરસના પેકેટ મળવાનો સિલસિલો હજુય જારી રહ્યો છે.
રવિવારે મરીન કમાન્ડો અને જખૌ મરીન તેમજ કોસ્ટલ સેન્ટર બેટ આઇ.બી.ની ટીમ મોટી સિંધોડી જખદાદા મંદિરથી કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નિકળ્યા હતા, દરમિયાન સૈયદ સુલેમાન પીર દરગાહ વિસ્તારમાંથી સાડા નવ વાગ્યાના અરસામાં બે સિલ્વર રંગના પેકેટ બિનવારસુ મળી આવ્યા હતા. આ વિસ્તારમાંથી ત્રીજી વખત ચરસના પેકેટ મળી આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ જખૌ મરીનના હોથીવાંઢ કેમ્પના કમાન્ડો નારણસિંહ બી. જાડેજા, શંભુસિંહ અનુભા જાડેજા, જામાભાઇ ચૌરી અને વિપુલભાઇ ચૌધરી તેમજ બી.બી.સંગાર (આઇ.બી.)વાળા પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. મોટી સિંધોડીથી કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ વેળાએ સૈયદ સુલેમાન પીર બેટ પાસેથી બિનવારસુ બે ચરસના પેકેટ મળી આવ્યા હતા.
બંને સિલ્વર પેકેટની ઉપર અંગ્રેજીમાં સ્ટારબક્સ મીડિયમ પોસ્ટ કોફી વીથ એસનેટીયલ વિટામીન લખેલું હતુ તેમજ કપ-રકાબીની છાપ દોરેલી હતી. એક-એક કિલો ગ્રામના પેકેટમાંથી એક પેકેટ જમણી બાજુથી તૂટેલુ દેખાયું હતું તેમજ પેકેટના ખુણાઓમાં દરિયાઇ રેતી જામેલી જોવા મળી હતી. બિનવારસુ મળી આવેલા બંને શંકાસ્પદ પેકેટને જખૌ મરીન પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા.
ગત 21મી તારીખે પણ જખૌ મરીન કમાન્ડોની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્ચારે આ જ વિસ્તારમાંથી સિલ્વર રંગનું એક બિનવારસુ ચરસનું પેકેટ મળી આવ્યું હતું, જેના પર આ જ લખાણ તેમજ કપ-રકાબીની છાપેલી હતી. બીજી તરફ થોડા દિવસ પૂર્વે પણ આ વિસ્તારમાંથી બે ચરસના પેકેટ મળી આવ્યા છે. આમ આ વિસ્તારમાંથી ત્રીજી વખત પેકેટ મળી આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.