અકસ્માત:બે જીવલેણ અકસ્માતમાં દોઢ વર્ષની બાળકી અને 13 વર્ષના કિશોરના જીવનદિપ બુજાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોમવાર માધાપર માટે ઘાતક બન્યો
  • ગંગેશ્વર રોડ પર બે બાઇક અથડાતાં માસૂમનો જીવ ગયો, 4 ઘાયલ
  • ભવાની હોટલ પાછળ સ્કુલવર્ધી બસે કિશોરને કચડ્યો

માધાપર ખાતે સર્જાયેલા બે અલગ અલગ જીવલેણ અકસ્માતના બનાવોમાં ગંગેશ્વર રોડ પર બે બાઇકો સામ-સામે અથડાતાં દોઢ માસની બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે બન્ને વાહનના ચાલક સહિત 4 જણાઓને ઇજા પહોંચી હતી. તો, અન્ય બનાવમાં સ્કુલવર્ધીની બસે 13 વર્ષના કિશોરને અડફેટે લેતાં તેને સારવાર કારગત થાય તે પૂર્વે દમ તોડ્યો હતો. બે બાળકોના મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો. સોમવારે સવારે માધાપર નવાવાસ ખાતે ગંગેશ્વર રોડ પર નરનારાયણ નગરથી આગળ વળાંકમાં બે બાઇકો ધડાધા સાથે અથડાઇ ગઇ હતી, જેમાં બાઇક ચાલક વિષ્ણુભાઇ જયંતીભાઇ નાઇની દોઢ માસની પુત્રી આયુશીને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર મોત થયું હતું

જ્યારે વિષ્ણુભાઇ (ઉ.વ.28), તેમના પત્નિ શીલ્પાબેન (ઉ.વ.25) અને તેમની સાત વર્ષની પુત્રી અંજલીને ગંભીર ઇજાઓ થતાં જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામેની મોટર સાયકલના ચાલક અરવિંદભાઇ ભાણજીભાઇ કોલીને ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય એક અકસ્માતની ઘટનામાં માધાપર જુનાવાસમાં ભવાની હોટલ પાછળ આવેલા મહાપ્રભુનગરની બાજુમાં ઘર નજીક ઉભેલો 13 વર્ષના સોયબ કાદરભાઇ સમાને સ્કુલની ખાનગી બસના ચાલકે ટકકર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘાયલ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં સારવાર કારગત થાય તે પહેલા હાજર પરના તબીબે બોપરે ત્રણ વાગ્યુ મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે બન્ને બનાવોની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.

કારીમોરીના તળાવમાં ડુબવાથી નેપાળી પ્રૌઢનું મોત
માધાપર કારીમોરી વિસ્તારમાં રહેતા હરીબહાદુર નરપતપુન ગુરખા (ઉ.વ.40) પોતાના ઘર નજીક આવેાલ તળાવમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં નાહવા ગયો હતો. દરમિયાન અકસ્માતે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં હતભાગીના મિત્ર વીરબહાદુર રતનશી ગુરખાએ તાત્કાલિક માધાપર પોલીસને જાણ કરી ફાયર બ્રિગેટની ટીમને બોલાવાઇ હતી. તળાવમાંથી હતભાગી યુવકની લાશને બહાર કાઢી જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે યુવકને મૃત જાહેર કરતાં માધાપર પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હેડ કોસ્ટેબલ જેન્તીભાઇ ટી મહેશ્વરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...