કરુણાંતિકા:કચ્છના અંજાર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસામેડીથી ભીમાસર જઈ રહેલો ટેમ્પો પલટી જતા એકનું મોત

પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં આજે બપોરે બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં બે બાળકો સહિત કુલ ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતા. જેમાં નર્મદા કેનાલમાં ન્હાવા જતા બે બાળકો તરતા ન આવડતા ડૂબી ગયા હતા. જ્યારે મોરબીના છોટા હાથી ટેમ્પો ચાલક પરિવાર સાથે પરત જતી વેળાએ માર્ગ પર વાહન પલટી મારી જતા મરણ ગયેલ છે, આ અકસ્માતમાં 2 થી 3 સભ્યોને ઇજા પહોંચતા અંજાર સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર તાલુકા વરસામેડી ગામ નજીક આવેલી વેલસ્પમ કંપનની પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં પાસેની ઇન્ડિયા કોલોનીમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો ન્હાવા માટે ગયા હતા, વહેતા પાણીના પ્રવાહમાં તરી ના શકતા ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. બનાવ આજે બપોરે 1 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ બનાવમાં 9 વર્ષીય સુમિત સુનિલકુમાર ગોડ અને 8 વર્ષના આશુતોષ ત્રિપુરાય ગોડના કરુણ મોત નીપજ્યાં હતા. હતભાગી બાળકોને તરવૈયાઓની મદદ વડે બહાર લાવી પૉસમોર્ટમ માટે અંજાર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ બપોરે 3.15 કલાકે વરસામેડીથી ભીમાસર તરફ જતા છોટાહાથી મીની ટેમ્પો નં. જીજે 36વી 0353 સામેથી આવતી ટ્રકથી બચવાના પ્રયાસમાં રોડ પર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો ચાલક જગદીશ મોહનભાઈ સોલંકી (ઉવ 32)નું ઘટનાસ્થળે જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વાહનમાં સવાર પરિવારના 2 થી 3 સભ્યોને ઇજા પહોંચતા સારવાર માટે અંજાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...