ક્રાઇમ:હૈદરાબાદના યુવાન સાથે 27 લાખની ઠગાઇ કરનારા બે ચિટરની ધરપકડ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક મારફતે ફ્રેન્ડ રીકવેસ્ટ મુકી મિત્રતા કેળવી ભુજ બોલાવ્યા
  • સોનાના બિસ્કીટ 20 ટકા કમીશન પર આપવાની લાલચ આપી પૈસા મંગાવ્યા, વૈભવી કારમાં ફેરવી: થેલો ઝૂંટીને નાસી છુટયા

સસ્તુ સોનુ આપવાની લાલચ આપી રાજય બહારના લોકોને છેતરતી ગેંગ છેલ્લા કેટલાક વર્ષોથી સક્રીય છે, હૈદરાબાદના યુવાન સાથે ફેસબુક પર મિત્રતા કેળવી સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ભુજ બોલાવી બંને ચીટરો 27 લાખ રૂપીયા ભરેલો થેલો ઝુંટવી ગયા હતા. પૈસા કે સોનું ન આપતા ભુજ બી:ડિવીઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી, જેમાં બંને ચીટરોને એલસીબીએ ઉઠાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

ચારેક માસ અગાઉ આદર્શ અનીલકુમાર જૈન (ઉ.વ.22, રહે. તેલંગાણા, હૈદરાબાદ)વાળાએ ભુજના હાજી વલીમામદ કકલ અને અલતાફ જત (રહે. બંને ભુજ)વાળા સામે છેતરપિંડીની ફોજદારી નોંધાવી હતી. આદર્શ જૈનને ફેસબુક પર રૂષભ મહેતા નામથી આઇડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ ગઇ હતી જેના પ્રોફાઇલ ફોટોમાં સોનાના બિસ્કીટ મુકાયા હતા. ફરીયાદીએ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વિકારી હતી બાદમાં બંને વચ્ચે વાતચીત થઇ હતી. ચીટરોએ મેસેન્જર મારફતે મોબાઇલ નંબર મુકયા હતા અને દુબઇથી સસ્તુ સોનું મંગાવી કચ્છ:ગુજરાતમાં વેચતા હોવાની વાત કરી હતી, જે સોનુ અહીં 20 ટકા સસ્તુ વેંચવામાં આવે છે તેવી લાલચ આપી હતી.

ફરીયાદીને સોનુ ખરીદવું હોય તો કચ્છ આવી જાવ તેમ કહી બોલાવી લેવાયા હતા. ફરીયાદી ભુજની ઇલાર્ક હોટેલમાં આવી પહોંચ્યા બાદમાં એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની ફોર્ચયુનર કારમાં તેમને એક બંગલામાં લઇ જવાયા હતા ત્યાં મામા કરીને એક શખ્સે સોનાના બિસ્કીટ બતાવ્યા હતા. એક કીલો સોનું ફરજીયાત લેવાનું રહેશે તેવી વાત કરી હતી. ફરીયાદી તેના પિતા અનિલકુમાર અને કાકા ભરતકુમાર સાથે પરત ઇલાર્ક હોટેલ આવી 27 લાખ રૂપીયા ભરેલી બેગ લઇ એક જગ્યાએ પહોંચ્યા હતા, જયાં ફોર્ચયુનર કાર આવી હતી અને ત્રણેયને બેસાડીને ભુજમાં ચક્કર લગાવ્યો હતો.

બાદમાં ચીટરો ગાડી જયાંથી આ લોકોને બેસાડયા હતા ત્યાં લઇ આવીને કહ્યું કે અમોને ઓચિંતા કામ આવી ગયેલ છે તેમ કહી ત્રણેયને ઉતારી દીધા હતા અને તેમની પાસે રહેલી પૈસા ભરેલી બેગ ઝુંટવી લીધી હતી. બાદમાં બંને ચીટરોના ફોન થોડા સમય માટે બંધ થઇ ગયા હતા. ફરીયાદીના 27 લાખ પૈકી 13,50,000 રૂપીયા કાકા ભરતકુમારના હતા જે છેતરાયા બાદ અવાર નવાર ચીટરો સાથે ફોન પર વાતચીત કરતા હતા, પણ આ લોકો પૈસા પરત ન આપતા ટેન્શનમાં 15 દિવસ પૂર્વે મોતને ભેટયા હતા.

જેમના ફોનમાં રેકોર્ડિંગ તેમના પત્નીએ સાંભળી લીધી હતી અને ભત્રીજા આદર્શને ભુજ મોકલી ફરીયાદ કરી પૈસા પરત લઇ આવવા કહ્યું હતું. ફરીયાદી ભુજ બી:ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. એલસીબીએ તપાસ સંભાળી હતી અને બંને ચીટરોને ઉઠાવી પુછપરછ હાથ ધરી હતી.

ફોર્ચુનર કારમાં લાગેલી છે ઉપપ્રમુખ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાની નેમપ્લેટ : નંબરપ્લેટ છે જ નહીં
જે ફોર્ચયુનર કાર છેતરપિંડીના ગુનામાં તેમજ પૈસા ભરેલી થેલો લુંટી જવામાં ઉપયોગમાં લેવાઇ છે તેમાં નંબર પ્લેટ લાગેલી જ ન હતી. જો કે, સામાન્ય દિવસોમાં આ કારની આગળ ઉપપ્રમુખ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની નેમ પ્લેટ લાગેલી દેખાય છે. હાજી ક્કલ જેની સામે ફરીયાદ નોંધાઇ છે તેના પુત્ર જાવેદને ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો છે.

લુંટ અને દુષ્પ્રેરણાની સહિતની કલમ ફરીયાદમાં ઉમેરવાનું પોલીસને મુનાસીબ ન લાગ્યું !
પોલીસ ફરીયાદ છેતરપિંડીની કલમો તળે નોંધાઇ છે, આ બનાવમાં માત્ર છેતરપિંડી જ નહીં ફરીયાદી પક્ષને ગાડીમાંથી ઉતારી તેમના પાસેથી થેલો ઝૂંટવીને ચીટરો નાસી છુટયા છે એટલે લુંટ અને ચીલઝડપ કરાઇ છે. તો બીજી તરફ 27 લાખમાં 13,50,000 ફરીયાદીના કાકા ભરતભાઇ જૈનના હતા જે પૈસાની ચીટિંગ થઇ જતા ટેન્શનમાં આવી ફાની દુનિયાને અલવીદ કહી દીધી હતી, તો એ અંગે કોઇ કલમ ઉમેરવાનું પોલીસે મુનાસીબ માન્યું નથી.

અન્ય સમાચારો પણ છે...