ચુકાદો:વાંકુના ખૂન કેસમાં બે સહોદરોને આજીવન કેદની સજા સાથે દંડ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવ વર્ષની ઉજવણીમાં શાક ઢોળાવવા મુદે પિતા-પુત્રોએ કર્યો હતો જીવલેણ હુમલો
  • 4 વર્ષ જુના કેસમાં ભુજ સેશન્સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

અબડાસા તાલુકાના વાડાપધ્ધર વાંકુની સીમમાં આવેલી વાડીમાં નવા વર્ષની ઉજવણીના પ્રોગ્રામમાં શાક ઢોળાવવા જેવી નજીવી બાબતે ધાતક હથિયારોથી હુમલો કરી 60 વર્ષના વૃધ્ધની હત્યા નિપજાવવાના 4 વર્ષ જુના કેસમાં આરોપી બે સગા ભાઇઓને ભુજની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સાથે 25 હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.

ઘટના ગત 20 ઓક્ટોર 2017ના રોજ બેસતા વર્ષના દિને બન્યો હતો. વાડાપધ્ધર-વાંકુની સીમમાં આવેલી દિલીપસિંહ ટપુભા જાડેજાની વાડી પર બન્યો હતો. નવા વર્ષની ઉજવણીમાં મિત્રો ભેગા ભળીને ખાવા પીવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. જેમા વાંકુના બળુભા કાંયાજી જાડેજા ૫૨ ભૂલથી રાણુભા કેશુભા જાડેજા (ઉ.વ.60, રહે. વરાડીયા)ના હાથે શાક ઢોળાઈ જતાં તેમના કપડાં બગડ્યા હતા. આટલી નજીવી બાબતે ઉશ્કેરાઈને બળુભાએ બોલાચાલી કરી હતી. વાત વધી પડતાં બળુભા તેમના દીકરા વિક્રમસિંહ અને લાલુભાને તેડી આવ્યા હતા. બળુભા અને તેમના બંને પુત્રોએ કુહાડી વડે રાણુભા અને અલુભા દાજીભા જાડેજા (ઉ.વ. 50, રહે. ખીરસરા કોઠારા) પર હુમલો કર્યો હતો. વચ્ચે પડનાર ભગુભા જાડેજાને પણ આરોપીઓએ પીઠમાં લાકડીઓ ફટકારી હતી. હુમલામાં રાણુભાના માથા અને કપાળમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ થવાથી તમનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ અલુભાની ડાબી આંખ ફૂટી જતાં એક આંખે અંધાપો આવ્યો હતો. હુમલામાં તેમને ખભા અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી.

રાણુભાના મોતથી હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. આ કેસ ભુજની કોર્ટમાં ચાલી જતા઼ બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજ ચિરાગ એમ.પવારે 33 સાક્ષીઓ અને 63 પુરાવાઓના આધારે આરોપી વિક્રમસિંહ બળુભા જાડેજા અને લાલુભા બળુભા જાડેજાને આજીવન કેદની સખ્ત સજા સાથે 25 હજારનો દંડ ફટકાર્યો છે. અન્ય કલમો હેઠળ પણ તેમને દોષી ઠેરવી કૉર્ટે કેદ સાથે આર્થિક દંડ ફટકાર્યો હતો.જ્યારે આ કેસના મુખ્ય આરોપીનું કેસની ટ્રાયલ દરમિયાન મોત થયું હોવાથી કેસ એબેટ કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ પી.વી. વાણિયાએ હાજર રહી દલીલો કરી હતી

અન્ય સમાચારો પણ છે...