પ્રથમ દિવસે પાંખી હાજરી:પ્રથમ દિવસે વીસ હજાર છાત્ર હાજર થયા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શૈક્ષણિક વર્ષના બીજા સત્રમાં ધોરણ 1 થી 5 ના વર્ગ શરૂ થતા પ્રથમ દિવસે ભુજની પાટવાડી શાળામાં નાના-ભૂલકાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણતર શરૂ કર્યું. - Divya Bhaskar
શૈક્ષણિક વર્ષના બીજા સત્રમાં ધોરણ 1 થી 5 ના વર્ગ શરૂ થતા પ્રથમ દિવસે ભુજની પાટવાડી શાળામાં નાના-ભૂલકાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણતર શરૂ કર્યું.
  • વીસ મહિના પછી ધોરણ 1 થી 5માં
  • કોરોના મહામારી શરૂ થતાં ગત વર્ષે માર્ચમાં શાળાઓ બંધ થઈ હતી, જે દિવાળી વેકેશન પછી ફરીથી ખુલી
  • સરકારી અને ખાનગી શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણતર શરૂ

2019 અંતમાં ચીનના વુહાનથી કોરોના વાઇરસ ફેલાયો જેણે ચાર મહિનામાં જ સમગ્ર વિશ્વને બાનમાં લઇ લીધું. ભારતમાં પણ 22 માર્ચ, 2020 થી લોક ડાઉન લાગુ કરતા બધી શાળાઓ બંધ થઈ હતી. ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રમાં ધોરણ છ થી કોલેજ સુધી અભ્યાસ શરૂ થઈ ગયો, તો રવિવારે શિક્ષણ વિભાગે સોમવારથી ધોરણ એકથી પાંચ મરજિયાત રીતે શરૂ કરવા પરિપત્ર બહાર પાડ્યો. જેને પગલે કચ્છની કુલ 2119 શાળાના 2,19,190 કુલ વિદ્યાર્થીમાંથી 20,664 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. એટલે કે 10 ટકા જ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા.

ખાનગી શાળાઓ અને પ્રાથમિક શાળામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની અલ્પ સંખ્યા બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિએ જણાવ્યું કે, શાળાઓમાં પ્રથમ દિવસ સંખ્યા દસ ટકા જેટલી હતી. શિક્ષણ વિભાગે દરેક જગ્યાએથી વિદ્યાર્થીઓની હાજર સંખ્યા મેળવતા શહેરો કરતાં ગામડાઓમાં ઉત્સાહ વધુ દેખાયો હતો. શહેરમાં કોરોનાનો ભય તથા શાળાની પરિસ્થિતિનો તાગ મેળવી બાદમાં સંતાનને મૂકવાની ગણતરીને કારણે માંડ બે થી પાંચ ટકા હાજરી હતી, જ્યારે ગામડાઓમાં વીસ ટકા સુધી પહોંચી હતી. બીજી તરફ ખાનગી શાળાના સંચાલક જણાવે છે કે, છોકરાઓ શાળાએ આવે તે જરૂરી છે. ભણતર ઘણું બગડ્યું છે. પાયો જો બરોબર નહિ હોય તો આગળના ભણતર પર અવળી અસર પડશે.

મતદાર યાદી સુધારણાનો અધિકારીનો તઘલખી હુકમ
ગત અઠવાડિયે શિક્ષકો કે જે ચુંટણી પ્રક્રિયા માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંબંધી કામગીરી કરતા હોય તેવા બી.એલ.ઓ.ની કામગીરી નબળી થઈ હોઇ જણાવી વિધાનસભા-03 ભુજ વિભાગ માટે તારીખ 22 થી 26 ડોર ટુ ડોર સર્વે માટે મૌખિક હુકમ કરાતા આશ્ચર્ય ફેલાયું છે. એકતરફ વેકેશન પૂર્ણ થતા શાળાઓમાં અભ્યાસ અને હાજરી માટે અધિકારી કડક વલણ અખત્યાર કરે, તો બીજી તરફ શિક્ષકોને જ શાળાથી દૂર કરે તો ભણાવી કેમ શકે. શિક્ષણકાર્યને અસર ન થાય તે જોવાની જવાબદારી વિભાગીય વડાની છે. કલેકટર કક્ષાએથી હુકમ થાય તો સમય માંગી શકે.

પહેલા ધોરણનો વિદ્યાર્થી સીધો ત્રીજામાં !
વીસ મહિના જેવા લાંબા ગાળાના વેકેશનને કારણે બાળકો ભણ્યા ગણ્યા વગર એક વર્ષ વચ્ચેથી અભ્યાસ વગર પસાર થઈ ગયો. જેને પરિણામે પહેલા ધોરણનો વિદ્યાર્થી સીધો ત્રીજા ધોરણમાં પહોંચી ગયો હતો. એક વાલીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિનાઓથી સંતાનો ઘરે રહેતા હવે શાળાએ જવાનું ટાળે છે. તેમને બને તેટલા જલ્દી શાળાના માહોલમાં મુકાય તે જરૂરી છે. ભણતર સાથે શિસ્તના પાઠ પણ શીખવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...