કચ્છના રાજવીઓ ખફા:ધ્રુજારો...તો કંડલા પોર્ટ પ્રશાસને રાજવી પરિવારને જમીન પાછી આપી દેવી જોઈએ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંડલામાં મહારાવની પ્રતિમાના અપમાન મુદ્દે કચ્છના રાજવીઓ ખફા

દેશના વિભાજન પછી કરાચીના વિકલ્પમાં કંડલામાં મહાબંદર સ્થાપવા માટે હજારો એકર જમીનનું દાન આપનારા કચ્છના રાજવી મહારાવ ખેંગારજીની પોર્ટના મુખ્ય દ્વાર પાસે આવેલી પ્રતિમાને કોઈ અસામાજિક તત્ત્વોએ દેશી દારૂની પોટલીનો હાર પહેરાવી જતા, પોર્ટ પ્રશાસન રાજવીનું ગૌરવ જાળવી શક્યું ન હોવાનો આક્રોશ દર્શાવી કચ્છના મહારાવ સહિત વિવિધ રાજવીઓએ ઉગ્ર પ્રતિઘાત આપતા જણાવ્યું છે કંડલા પોર્ટ ઓથોરિટીના જવાબદાર અધિકારીઓની ફરજ ગણાય કે એ રાજવી દાતાનું માન-સન્માન જાળવી રાખે.

બંદરનું વહીવટીતંત્ર જો આટલી કાળજી પણ ન રાખી શકતું હોય તો કંડલા પોર્ટ રાજવી પરિવારની જમીન પાછી આપી દેવી જોઈએ. રાજવી પરિવારના નિવેદન અનુસાર કચ્છની પ્રજા અને વતનપ્રેમી કચ્છીઓ માટે આ ઘટના શરમ અને તિરસ્કાર ભરી છે. અસામાજિક તત્વોનો ત્રાસ, સક્ષમ સરકાર અને પોલીસ તંત્ર કંટ્રોલ કરી શકતું નથી. તેથી સરેઆમ આવી પડકારરૂપ ઘટનાઓ બને છે. આવા બનાવો લોકશાહી માટે તો કલંક રૂપ છે જ પણ આવનારા સમયની પડતી દર્શાવે છે.

રાજવી પરિવારના સભ્યો કચ્છ મહારાઓ પ્રાગમલજી ત્રીજા, તેરાઠાકોર મયુરધ્વજસિંહજી, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી જાડેજા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા અને રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓએ બનાવને સખત રીતે વખોડી કાઢીને જવાબદાર તોફાનીઓને શોધી સખતમાં સખત સજા કરવા સતાધારી ઓને અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે આજે નાનકડા દાન બદલ પણ પોતાનું નામ રાખવા આગ્રહ કે શરત રાખે છે. જ્યારે એ સમયે ઉદારદિલ રાજવીએ હજારો એકર જમીન પોતાના નામનો આગ્રહ રાખ્યા વિના દાનમાં આપી દીધી અને વિશ્વભરમાં કંડલા બંદર પ્રખ્યાત થયું. વહેલી તકે આ ઘટનાના ગુનેગારોને શોધી સજા થાય અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એવી કાળજી લેવામાં આવે.

શરમજનક ઘટના : સમગ્ર કચ્છનું ગૌરવ હણાયું
કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, દારૂડિયા અને અસામાજિક તત્ત્વોની હિમત જોઇને કાયદાની ધાક જ ન હોય તેવું પ્રતિત થાય છે. પોર્ટ પ્રશાસન અને પોલીસ બન્નેની નબળાઇ અને નિષ્કાળજી શરમજનક ઘટના ઘટી છે, જેનાથી ન માત્ર રાજવી પરિવારનું, પરંતુ સમગ્ર કચ્છનું ગૌરવ હણાયું છે, જરૂર પડયે આ મુદ્દે કાનૂની રાહે પગલાં ભરશું, ગાંધી ચીંધ્યા માર્ગે જશું, આવી ચેતવણી આપવી એ પણ નાલેશી જેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...