પ્રવાસીઓનું ઘોડાપૂર:નવા વર્ષના પ્રારંભે માંડવીમાં પ્રવાસીઓની ભારે ભીડ થતા ટ્રાફિકજામ સર્જાયો, એમ્બ્યુલન્સ અટવાઈ

ભુજએક મહિનો પહેલા
  • ટોપણસર તળાવથી બીચ સુધીના માર્ગ પર કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો
  • ટ્રાફિક ક્લિયર કરાવવા પહોંચેલી પોલીસ વાન પણ ટ્રાફિકમાં અટવાઈ પડી

દિવાળી તેમજ નવા વર્ષના રજાના દિવસે કચ્છના માંડવી બીચ પર જિલ્લા અને બહારગામના સહેલાણીઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખાનગી અને ભાડાના વાહનો સાથે એક જ દિવસે પ્રવસીઓનું ઘોડાપુર ઉમટી પડતા ટોપણસર તળાવથી બીચ સુધીના માર્ગ પર કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી ભારે અરાજકતા ફેલાઈ હતી. આ ટ્રાફિકમાં દર્દીને લઈ જતી 108 અને પોલીસ વાન પણ અટવાઈ પડી હતી.

દિવાળી વેકેશન દરમિયાન કચ્છમાં સ્થાનિક સાથે બહારના સહેલાણીઓ જિલ્લામાં વિવિધ ધાર્મિક અને પર્યટન વિસ્તારોમાં આવતા હોય છે. પર્યટન વિભાગ આ માટે પ્રચાર પ્રસાર પણ કરે છે. ત્યારે માંડવી ખાતે કાલે નવા વર્ષના દિવસે એક સામટા ઉમટી પડેલા પ્રવસીઓનાં ઘોડાપુરના કારણે શહેરના ટોપણસર તળાવથી માંડવી દરિયા કિનારા સુધીમાં ચારે તરફ વાહનોનો ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. તેમાં દર્દીને લઈ જતી એમયુલન્સ પણ અટવાઈ પડી હતી. જેના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી.

ટ્રાફિક ક્લિયર કરાવવા પહોંચેલી પોલીસ પણ ટ્રાફિક પૂર્વવત કરાવવા પાંગળી સાબિત થઈ રહ્યાનું એક વીડિયોમાં જોવા મળ્યું હતું. અંતે કલાકોની જહેમત બાદ પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ માટે પર્યટન વિભાગ કચ્છના દરેક જાહેર સ્થળો પર તહેવારોની રજા પ્રસંગે વિશેષ આયોજન હાથ ધરે તે જરૂરી હોવાનું લોકોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...