• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Tradition Of Playing Ramayana During Navratri For 75 Years In Biber Of Nakhtrana, Kutch, An Attempt To Acquaint The New Generation With The Story Of Ramayana

રામાયણની રજૂઆત:કચ્છના નખત્રાણાના બીબરમાં 75 વર્ષથી નવરાત્રિ દરમિયાન રામાયણ ભજવવાની પરંપરા, નવી પેઢીને રામાયણની કથાથી વાકેફ કરવાનો પ્રયાસ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુલસી રચિત રામાયણ નવ દિવસ દરમ્યાન જીવંત કરવામાં આવે છે

નખત્રાણા તાલુકાથી 32 કિલોમીટર ના અંતરે અને અંદાજિત 2000 જેટલી વસ્તી ધરાવતા બીબર ગામમાં નવરાત્રિના નવ દિવસો દરમિયાન, પ્રથમ નોરતાની શરૂઆતમાં નારદજીના પાત્રથી શરૂઆત કરવામાં આવે છે. જે છેલ્લા નોરતા સુધીમાં " રામ રાજ્ય " ની સ્થાપના સુધીની તુલસીકૃત રામાયણ લોક કલાકારો ભજવીને જીવંત બનાવે છે.

આ વિશે બીબરગામના જાડેજા રામદેવસિંહ ઉર્ફે રવુભા તથા જાડેજા મહિપતસિંહે જણાવ્યું હતું કે, આપણો દેશ ઈ.સ. 1947ના વર્ષમાં સ્વતંત્ર થયો તે સમયગાળામાં શરૂ થયેલી રામાયણ દર વર્ષે આસો નવરાત્રિમાં ભજવવામાં આવે છે. જેમાં ઉપસ્થિત લોકો પૌરાણિક કથાનું જ્ઞાન મેળવી મનોરંજન મેળવે છે.તેમણે ઉમેર્યું હતું કે દાયકાઓ અગાઉ ગુજરાતમાંથી ભવૈયાઓની મંડળી અલગ અલગ વિસ્તારોમાં આવેલા મોટા ગામમાં જતી. અને વિવિધ વિષયોને લગતી વિગતો પરથી નાટક અથવા ભવાઈ કરવામાં આવતી. જેના અનુસંધાને ગામમાં તે સમયના વડીલોને રામાયણ ગ્રંથની તમામ બાબતોથી આવનારી પેઢીઓને માહિતી મળતી રહે અને કુટુંબ પરિવાર ની ભાવના બાબતે લોકોને માહિતી મળતી રહે તે હેતુ થી " તુલસીકૃત રામાયણ" ની તમામ વિગતો મેળવીને, વડીલોએ જાતે એક હસ્ત લિખિત પુસ્તક તૈયાર કરીને રામાયણ ભજવવાની તૈયારી ઉઠાવી હતી. જે આજપર્યંત દર વર્ષે યોજવામાં આવી રહી છે.

શરૂઆતમાં રામાયણને પાત્રો દ્વારા જીવંત બનાવવા માટે ગામના તત્કાલીન વડીલોએ બીડું ઝડપ્યું હતું જેમાં , જોશી પ્રેમજી માસ્તર, ભગત તુલસીદાસ, ભગત ખીમજી, જાડેજા વેલાજી કરસનજી,જાડેજા રવાજી રણમલજી, જાડેજા સુરાજી ભિભાજી, જાડેજા કાનજી કરસનજી, જાડેજા ગોધડજી હરભમજી,જાડેજા રામસંગજી રાધાજી, જાડેજા પતુભા ખેંગારજી,જાડેજા મનુભા હરિસંગજી એ રામાયણ શરૂઆત કરવામાં પાયાની ભૂમિકા ભજવી હતી.

રામાયણ ભજવવા માટે સ્ટેજ, મંડપ, સાઉન્ડ સર્વિસ, અલંકારોથી માંડીને દરેક સુવિધાઓ ગામલોકો દ્વારા જાતે જ વસાવવામાં આવ્યા છે. અને જેનું સંચાલન રામ લીલા નવરાત્રી યુવક મંડળ તરફથી કરવામાં આવી રહ્યું છે. પાત્રોના સંવાદ, મેકઅપ યુદ્ધ કૌશલ્ય, સ્તુતિ, છંદ, ગાયન શીખવવા માટે માટે કોઈ પણ પ્રોફેશનલ માસ્ટર નથી. માત્ર જાત મહેનત થકી અને પોતાના કોઠા સૂઝથી તૈયાર કરવામાં આવે છે. અને ખાસ વિગત એ છે કે દરેક કાર્ય ગામ ના સ્થાનિક લોકો દ્વારા જ આ કાર્ય કરવામાં આવે છે.

રામાયણને જીવંત રાખવા માટે હાલમાં ભગત મુકુલ દાસ, જોશી મહેશ, જાડેજા માધુભા મનોહરજી,જાડેજા લાધુભા માસ્તર ,જાડેજા દેવાજી પતુભા,જાડેજા રૂપસંગજી રણુભા,જાડેજા રવુભા પ્રતાપસિંહ,જાડેજા નરેન્દ્રસિંહ રામસંગજી,જાડેજા નારણજી ખેંગારજી,જાડેજા જગદીશ સિંહ મનુભા, જાડેજા નરપતસિંહ મનુભા, જાડેજા વાઘજી મનોહર્જી,જાડેજા સૂર્તાજી સભાજી સહિતના લોકો જહેમત ઊઠાવી રહ્યા છે. જાડેજા નારાણજી રામ નો પાત્ર તેમજ જાડેજા રવુભા રાવણ ના પાત્ર ભજવી રહ્યા છે.

નખત્રાણા ઉપરાંત અબડાસા અને લખપત તાલુકાના લોકો પણ જોવા માટે આવતા હોય છે. અન્ય એક વિગત મુજબ ગામની દીકરી પરણીને સાસરે જાય પછી, હોળી - ધુળેટી, સાતમ - આઠમ કે દિવાળી જેવા તહેવારો પર આવે કે ન આવે પણ નવરાત્રિ માં અચૂકપણે આવે છે.

અન્ય સમાચારો પણ છે...