પુત્રની નજર સામે જ મોત:ગાગોદર ધોરીમાર્ગ પર ટ્રેલર પલટીને માલધારી યુવક ઉપર પડતા યુવકનું ઘટનાસ્થળે મોત, 10 વર્ષના પુત્રનો ચમત્કારીક બચાવ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેલર માર્ગથી 50 ફૂટ દૂર ફંગોળાઈને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • ઘેટાં-બકરા ચરાવતા યુવક પર માટી ભરેલું ટ્રેલર આવી પડતા પુત્રની નજર સામે જ મૃત્યુ થયું
  • ઘેટાં-બકરાં અને પુત્રનો ચમત્કારીક બચાવ થયો

પૂર્વ કચ્છના ઉત્તર ગુજરાતને જોડતા સામખીયાળી-રાધનપુર ધોરીમાર્ગ પરના ગાગોદર ગામ નજીક આજે ગુરૂવારે સવારે અંદાજિત 8 વાગ્યાના અરસામાં એક ટ્રેલર માર્ગથી 50 ફૂટ દૂર ફંગોળાઈને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પલટી ગયેલા ટ્રેલર નીચે માલધારી યુવક દબાઈ જતા તેનું પોતાના પુત્રની નજર સામે જ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતનો બનાવ આજે સવારે 8 વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર ગાગોદર પાસે બન્યો હતો. જેમાં રાજસ્થાન બાજુથી સામખિયાળી તરફ માટી ભરીને જતું ટ્રેલર અચાનક કાબુ ગુમાવી રોડની ડાબી તરફ પલટીને આડું વળી ગયું હતું. આ વિશે ગાગોદરના દિલીપભાઈ પંચાલના જણાવ્યા મુજબ માર્ગથી 50 ફૂટ દૂર પોતાના પુત્ર સાથે ઘેટાં-બકરા ચરાવતા 33 વર્ષીય માલધારી યુવક જહરામ ટપુભાઈ ભરવાડ ઉપર ટ્રેલર જઈ પડ્યું હતું. ટ્રેલર તળે દબાઈ જતા ગરીબ પરિવારના માલધારી યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને ત્યાંથી પસાર થતા હિટાચી મશીન વડે ટ્રકને સીધી કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જેને આડેસર પોલીસે સરકારી દવાખાને ખસેડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાગોદર નજીકના આ જ અકસ્માત સ્થળે આ પૂર્વે અનેક અકસ્માતો સર્જાઈ ચુક્યા છે. અહિંની નર્મદા બ્રાન્ચ કેનાલના ઓવરબ્રિજ પાસેની ગોળાઈને ભૂલભુલૈયા ગોળાઈ કહેવાય છે, જ્યાં કાયમી અકસ્માત ઘટિત થતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...