રજાઓની મજા:કચ્છના પ્રવાસન સ્થળોએ દિવાળી ટાણે યાત્રીઓનો ધસારો, પર્યટનમંત્રીએ રણ ઉત્સવની મજા માણી

ભુજ24 દિવસ પહેલા
  • મવતાના મઢ ખાતે બે દિવસમાં 50 હજાર ભાવિકો ઉમટ્યા
  • સફેદ રણ, કાળો ડુંગર, નારાયણ સરોવર સહિતના સ્થળે પણ ભીડ જોવા મળી
  • પ્રવાસન મંત્રી અરવિંદ રૈયાણીએ રણ ઉત્સવની મજા માણી

કોરોના મહામારીના સંક્રમણમાં આવેલા સુધારની સીધી અસર જાહેર જીવન પર જોવા મળી રહી છે અને તેનો ફાયદો લોકો દરેક ક્ષેત્રે મેળવી રહ્યા છે. ખાસ કરીને હાલ દિવાળી, નવા વર્ષ સહિતના દિવસોમાં જિલ્લામાં આવેલા જાણીતા તીર્થ સ્થળો, પર્યટન ક્ષેત્રો અને જાહેર સ્થળોએ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક લોકો પોતાના દેવસ્થાનોએ માથું નમાવવા પહોંચી રહ્યા છે. તો મોટો વર્ગ હરવા ફરવામાં વિતાવી રહ્યો છે.

માતાના મઢ ખાતે આજે ભાઈ બીજના દિવસે ભાવિકોનો વ્યાપક ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળી અને નવા વર્ષ પ્રસંગે અહીં આસો નવરાત્રિમાં હોય એટલી ભીડ જોવા મળી હતી અને અંદાજીત 50 હજાર જેટલા ભક્તોએ દેશ દેવી આઈ આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા. સતત ત્રીજા દિવસે મંદિર સંકુલ અને ભોજન શાળામાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વાહન પાર્કિંગ મેદાન પણ હકડેઠઠ વાહનોના આવગમનથી ભર્યા ભર્યા દેખાઈ રહ્યા છે. કચ્છ અને બહારથી આવતા પ્રવાસી વર્ગથી માતાના મઢ બજાર પણ હરિભરી દેખાઈ રહી છે. વ્યાપારીઓને આવકમાં ફાયદો જણાઈ રહ્યાનું ભરતભાઇ ત્રિપાઠીએ જણાવ્યું હતું. લાભ પાંચમ સુધી લોકોનો ઘસારો રહેવાનો અંદાજ છે.

બીજી તરફ ભુજ ખાવડા માર્ગ પરના ધોરડો નજીક આયોજિત રણ ઉત્સવમાં આજે પ્રવાસન અને યાત્રાધામ મંત્રી અરવિંદ રૈયાણી પહોંચ્યાં છે. કચ્છ ફેસ્ટિવલના આયોજનથી પ્રભાવિત થઈ તેમણે કચ્છી સંસ્કૃતિના દર્શન કરી વખાણ કર્યા હતા અને ઉત્સવની મજા માણી આંદન વ્યાકત કર્યો હતો.

ભુજથી ઉત્તર દિશાએ આવેલા છેવડાના ખાવડા સ્થિત કાળા ડુંગર (બ્લેક હિલ્સ) ખાતે પણ સહેલાણીઓનો પ્રવાહ ઉમટી પડ્યો છે. અહીં પણ કચ્છ અને ગુજરાતમાંથી પર્યટકો ઊંચાઈ પરથી સફેદરણનો નજારો જોવા પહોંચ્યા છે. હાલ સોસીયલ મીડિયા પર જિલ્લાના મહત્વના પ્રવસાન સ્થળો પર લોકોના ફોટો અને વીડિયોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અનેક લોકોના વોટ્સએપ સ્ટેટ્સ પર ગો ટુ, બ્લેક હિલ અને એટ માંડવી બીચના લખાણ જોવા મળી રહ્યા છે.

ભુજની સાન બની રહેલા નૂતન સ્વામિનારાયણ મંદિરે પણ પ્રવસી વર્ગની હાજરી ઉડીને આંખે વળગી રહી છે. મંદિર સંકુલના પાર્કિંગમાં કાર, ટ્રાવેલ્સ સહિતના વાહનોનો જમાવડો પ્રવસીઓનું ઘોડાપુર કચ્છમાં ઉમટી રહ્યાની ચાડી ખાઈ રહ્યું છે. કોરોનાના બે વર્ષ બાદ ફરી કચ્છનું પર્યટન ક્ષેત્ર જીવંત થઈ ઉઠ્યું છે. ત્યારે અહીંથી પરત જતા લોકોના મુખે ફરી સાંભળવા મળશે કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.

અન્ય સમાચારો પણ છે...