આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશ્વ વિખ્યાત સફેદ રણ ધોરડો ખાતે પ્રથમવાર મહિલા સાધ્વીજીઓની યોગ-ચિંતન શિબિર યોજવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત 3 મહિલા મંત્રીઓ ખાસ હાજરી આપશે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુઅલી સંબોધન કરવાના છે.
વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલા સંતો અને સાધ્વીઓની આ શિબિરમાં મહિલા સશક્તિકરણ,સમાજ સંસ્કૃતિ સહિતના વિષય પર મનોમંથન કરવામાં આવશે.કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો આજે ધોરડો ટેન્ટહાઉસ ખાતે આ શિબિર યોજવામાં આવી છે.જેમાં સવારે યોગ - પ્રાણાયામ બાદમાં દીપ પ્રાગટય અને સ્વાગત કાર્યક્રમ પછી ઉદ્ઘાટન સત્ર યોજવામાં આવશે.સાધ્વી ઋતંભરાજી દ્વારા આ સત્રમાં વક્તવ્ય આપવામાં આવશે ત્યારબાદ સમાજમાં મહિલા સંતોની ભૂમિકા બાબતે કેન્દ્રિય મંત્રી સાધ્વી નિરંજના જ્યોતિજી પ્રકાશ પાડશે.
બપોરે કેન્દ્રીય મંત્રી ભારતી પવારજી દ્વારા મહિલા સુરક્ષા અને આરોગ્ય બાબતે માહિતી અપાશે પછી કનકેશ્વરી દેવી,યશોદા દીદી અને ગીતા દીદી દ્વારા સત્સંગ કરવામાં આવશે સાંજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા મહિલાઓ અંગેની રાજય અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે.સાંજે 6 થી 7 કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમને સંબોધી માર્ગદર્શન આપવામાં આવશે રાત્રે સંતવાણી પણ યોજવામાં આવી છે.
આજની આ શિબિરમાં કચ્છ જ નહિ પણ સૂરત,અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાંથી મહિલા સાધ્વીઓ,સંતો સહિતના હાજરી આપશે જેથી સફેદ રણમાં ભગવો લહેરાશે.આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પણ હાજરી આપશે.એકસાથે 3 કેન્દ્રીય મંત્રીઓ કચ્છની મુલાકાતે હોવાથી પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.