શાસ્ત્રો અને શસ્ત્રોના જાણકાર એવા પરશુરામ ભગવાનનો પ્રાગટયોત્સવ વૈશાખ સુદ ત્રીજ-અક્ષય તૃતીયા શુભ દિને હોતા જન્મોત્સવ ઉજવવામાં આવે છે. બે વર્ષ કોરોના કાળમાં બ્રહ્મ સમાજના પરિવારોએ શોભાયાત્રા કે અન્ય કાર્યક્રમો ઉજવવાને બદલે ઘરે ઘરે પૂજન કર્યું હતું. જ્યારે આ વર્ષે ઉત્સવમાં કોઈ સંખ્યાનું બંધન ન હોવાથી પરશુરામ ચોકથી શોભાયાત્રા નીકળશે, જેમાં હજારો લોકો જોડાશે. તો એક હજાર જેટલા યુવાનો ભગવા કુર્તા સાથે એક જ પરિવેશમાં જોવા મળશે.
આજે દિવસભર યોજાનારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો અંતર્ગત સવારે આઠ વાગ્યે ગૌ પૂજા, સાડા આઠ વાગ્યે હવન મહાદેવ ગેટ પાસે આવેલા પરશુરામ ચોક ખાતે તો બપોરે 4 વાગ્યે શોભાયાત્રા નીકળશે. જે જૂનું બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, ઇન્દિરા બાઈ પાર્ક, વી. ડી. હાઇસ્કૂલ, જયુબિલી સર્કલ થઈને ટીન સિટી ગ્રાઉન્ડ પર પૂર્ણ થશે.
જ્યાં રાત્રે આઠ વાગ્યે કચ્છની એકમાત્ર પવિત્ર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર, ત્યારબાદ કૃપલ સોમપુરા અને માર્મિ શુક્લ દ્વારા ગણેશ વંદના, ભુજની બ્રહ્મ સમાજ ની બાલિકાઓ દ્વારા તલવાર રાસ અને મશાલ રેલી યોજાશે. સંવેદના ગ્રુપના જાણીતા સાહિત્યકાર યોગેશભાઈ જોશી સ્ટેજ પ્રોગ્રામ આપશે. કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી જે. ઓ. માંઢક, જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલ, ડીવાયએસપી આશિષ પંડ્યા અને જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેનું સન્માન કરવામાં આવશે.
ત્યારબાદ જ્ઞાતિજનો મહાપ્રસાદ લઈ છૂટા પડશે. છેલ્લા એક મહિનાથી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના યુવાનો અને સાથેની બ્રહ્મ સમાજની અન્ય સંસ્થાઓ પરશુરામ જયંતીના કાર્યક્રમો સફળ બનાવવા કામ કરી રહ્યા છે તેવું સંસ્થાના પ્રમુખ અનિકભાઈ યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.