ઉજવણી:આજે કચ્છભરમાં હર્ષોલ્લાસ અને ધડાકા-ભડાકા સાથે દિવાળી ઉજવાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યવસાયીક એકમોમાં પારંપરિક રીતે શુભમુહૂર્તમાં કરાશે ચોપડા પૂજન
  • ઘરો ઘર તહેવારનો ઉમંગ,દેવાલયોમાં આજે જોવા મળશે ભીડ

હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે આપણે સૌ જે તહેવારની વાટ જોતા હતા એ દિવસ આવી ગયો...આજે આસો વદ અમાસ એટલે દિવાળીનો તહેવાર.કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી આ તહેવારની ઉજવણીમાં એટલી રોનક ન હતી જોકે આ વખતે કોરોના નહિવત થઈ જતા લોકોમાં ઉમંગ અને ઉત્સાહ બેવડાઈ ગયો છે..આજે ઘરોધર લોકો દીપ પ્રગટાવી દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવા થનગની રહ્યા છે.આજે પરંપરા પ્રમાણે કચ્છભરમાં વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવશે.

દિવાળીના દિવસે લોકો નવા વસ્ત્રોમાં સજ્જ થઈ વડીલોના આશીર્વાદ મેળવી આજે દેવાલયમાં ભગવાનના દર્શન માટે જશે જેથી મંદિરોમાં પણ ભીડ જોવા મળશે ઉપરાંત હરવા ફરવાના સ્થળોએ પણ આજે ગિરદી જોવા મળશે.આજે વેપારીઓ દ્વારા દુકાનમાં લક્ષ્મીજીનું પૂજન કરીને ચોપડા પૂજન કરવામાં આવશે.આજે જ્યારે ટેકનોલોજીનો અને ડિજિટલ જમાનો છે ત્યારે લેપટોપ અને મોબાઈલમાં પણ ધંધાનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પણ પૂજા કરવામાં આવશે.

આજે તમામ પ્રકારના શુભકાર્યો કરવા માટેનો દિવસ હોવાથી લોકો આજે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી લઈ વાહનો અને દાગીનાની ખરીદી કરવા માટે પણ ઉમટશે.જે રીતે આ વખતે બજારોમાં ગિરદી જોવા મળી હતી અને લોકોના ચહેરા પર તહેવારની ખુશી છલકાઈ રહી છે તે જોતા ઉત્સાહભેર આજે સમગ્ર જિલ્લો પ્રકાશન પર્વમાં રંગાઈ જશે.

મર્યાદિત સમય છતાં આતશબાજી માટે બેવડો ઉત્સાહ
સરકાર દ્વારા રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજુરી આપવામાં આવી છે જેથી આતશબાજી માટેનો સમય મર્યાદિત છે છતાં પણ બાળકોથી માંડી સૌ કોઈમાં ફટાકડા ફોડવા માટે બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અંતિમ ઘડીએ ફટાકડા બજાર અને દુકાનોમાં પણ ભારે ગિરદી જોવા મળી હતી જેથી મોટાભાગની દુકાનોમાં તો ફટાકડા પણ ખાલી થઈ ગયા હતા આજે સૌ કોઈ ઉલ્લાસભેર વિક્રમ સંવત વર્ષના અંતીમ દિવસને વિદાય આપી ઉમળકાભેર હિન્દૂ નવા વર્ષને આવકાર આપશે.

શેરીએ શેરીએ રોશનીનો ઝગમગાટ અને રંગોળીની રમઝટ
દિવાળીના તહેવારને પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે.લોકો ઉલ્લાસભેર દીવડા પ્રગટાવી તહેવારને વધાવી રહ્યા છે.જિલ્લામાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ઘરોધર અને દુકાનોમાં રોશનીનો શણગાર જોવા મળી રહ્યો છે તો સરકારી કચેરીઓ અને ઇમારતોમાં પણ લાઈટનો ઝગમગાટ થઈ રહ્યો છે.આ સાથે લોકો પોતાના ઘરમાં દ્વાર અને છત પર દીવડા પ્રગટાવી રહ્યા છે સાથે અવનવી રંગોળી દોરવામાં આવી રહી છે જેથી જોનારા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

જરૂરિયાતમંદની મદદ કરીને પર્વની ઉજવણીને બનાવીએ વધુ સાર્થક
દિવાળીનું પર્વ એટલે પ્રકાશનું પર્વ..આપણે જીવનમાં પ્રકાશ પાથરવા માટે લાઈટો અને દીવડા પ્રગટાવીએ છીએ નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ પણ આપણી આજુબાજુય એવા ઘણા પરિવારો છે જેઓના જીવનમાં અંધકાર છે આર્થિક તંગીના કારણે તહેવાર ઉજવી શકતા નથી ત્યારે તેઓને મીઠાઈ,ફરસાણ બાળકોને ફટાકડા,કપડાં સહિતની વસ્તુઓ લઈ આપી તેઓના જીવનમાં પણ ખુશીઓના રંગ ભરી તહેવાર ઉજવીએ.

અન્ય સમાચારો પણ છે...