દૂષિત પાણીની સમસ્યા:ગટર મિશ્રિત પાણીથી કંટાળી ગાંધીધામના વોર્ડ 13માં આવેલી સોસાયટીના રહેવાસીઓ હિજરત કરવા મજબૂર બન્યા

ભુજ16 દિવસ પહેલા
  • મકાન માલિકો ઘર છોડી હવે ભાડુત બની રહ્યા છે: રહેવાસી
  • દૂષિત પાણીથી લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે

કચ્છની આર્થિક નગરી ગાંધીધામમાં આજની તારીખે અમુક વિસ્તારો મૂળભૂત સુવિધાના અભાવથી પરેશાની ભોગવી રહ્યાનું સામે આવ્યું છે. શહેરના વોર્ડ 13માં આવેલી હાઉસિંગ સોસાયટીના એક વિભાગમાં છેલ્લા ચાર માસથી ગટર મિશ્રિત પાણી આવતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રને રજૂઆતોના અંતે પણ નિવારણ ના આવતા હવે સ્થાનિકો પોતાના માલિકી મકાન મૂકી બહાર ભાડાના મકાનમાં રહેવા જવા મજબૂર બન્યા છે.

શહેરના વોર્ડ 13માં આવેલી ગુજરાત હાઉશીંગ સોસાયટી MIG10015ના રહેવાસી હિતેશભાઈ ચૌહાણે રોષ પૂર્વક જણાવ્યું કે, તંત્ર દ્વારા આવતા પાણી ગટરવાળા દુર્ગંધ મારતા હોવાથી તેના નિકાલની વધારાની જવાબદારી નિભાવવી પડે છે. તેના નિકાલ માટે મહેનત કરવી પડે છે તો ક્યારેક માણસ રોકી ટાંકા સાફ કરાવવા પડે છે. બોરનું પાણી ખેંચવા સતત મોટર ચાલુ રાખવી પડે છે તેથી લાઈટ બિલનો વધારાનો ખર્ચ ભોગવવો પડે છે. ત્રણ માસ પહેલા આ વિશે તંત્રનું ધ્યાન દોર્યું હતું છતાં નિવારણ આવ્યું નથી

આજ સોસાયટીમાં રહેતા અન્ય રહેવાસીએ કહ્યું કે, માંદગીના સમયમાં દૂષિત પાણી વિતરિત થતા હવે આ ઘરોમાં રહેવું મુશ્કેલ બન્યું છે. અમારે પોતાના મકાન મૂકી હવે અન્ય સ્થળે ભાડાના મકાનમાં રહેવા જાઉં પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. કેટલાક લોકો મકાન પણ નક્કી કરી આવ્યા છે. હજુ પણ નગરપાલિકા દ્વારા યોગ્ય નિરાકરણ હાથ ધરાય એવી રહેવાસીઓની માગ છે.

અન્ય સમાચારો પણ છે...