તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:અબડાસામાં 2, માંડવીમાં 1 સહિત કચ્છમાં ત્રણ મતદાન મથક વધશે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય પક્ષોની હાજરીમાં કલેક્ટરની મતદાન મથક પુનર્ગઠન બેઠક
  • દરખાસ્ત તૈયાર કરીને ગાંધીનગર બાદ દિલ્હી મંજૂરી અર્થે મોકલાવાશે

દર વર્ષે અોગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાન મથક પુનર્ગઠન બેઠક મળે છે, જે મુજબ મંગળવારે મળેલી બેઠકમાં નક્કી થયા મુજબ અબડાસામાં 2, માંડવીમાં 1 નવા મતદાન મથક માટેની દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર બાદ દિલ્હી મોકલી અપાશે, જેને મંજૂરી મળેથી કચ્છમાં મતદાન મથકોની સંખ્યા 1852ના બદલે 1855 થશે.

કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યસ્થાને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોની હાજરીમાં બેઠક મળી હતી. ચૂંટણી શાખાના નાયબ મામલતદાર પુલિન ઠક્કરે જણાવ્યું હતું કે, હાલે જે-તે મતદાન મથકોની ચકાસણી સાથે ઇમરજન્સી સિવાય 90 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે.

અબડાસા તાલુકામાં નવી શાળા બનવાથી બે નવા મતદાન મથકો અને માંડવીમાં 1 મળી કુલ 3 નવા મતદાન મથકો બનશે અને હવેથી જિલ્લાના કુલ 1852 મતદાન મથકોના બદલે 1855 થશે. નવા મતદાન મથકો, બદલાયેલા મતદાન મથકો અને સેક્શન અંગેની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવશે.

શાળાઓ જર્જરીત થતાં જિલ્લાના 44 બૂથ, 13 સેક્શન બદલાવાશે
જિલ્લામાં અમુક શાળાઅો જર્જરીત હાલતમાં હોઇ તોડી પડાઇ છે અને તેની જગ્યાઅે નવી બનાવવામાં અાવી રહી છે, તો અમુક જગ્યાઅે સમારકામ ચાલી રહ્યું છે તેવા 44 બૂથ બદલાવાશે. ઉપરાંત અેક મતદાન મથકમાં શેરી, સોસાયટી મુજબ અલગ-અલગ સેક્શન હોય છે, તેવા 13 સેક્શન બદલાશે, જે અંગેની દરખાસ્ત પણ ગાંધીનગર, બાદ દિલ્હી મોકલાવશે.

દરખાસ્ત મંજૂર થાય તે પહેલા ચૂંટણી યોજાય તો શું ?
3 નવા મતદાન મથકો અને 44 મતદાન મથકો, 13 સેક્શન બદલવાની દરખાસ્ત મોકલાવાશે. જો કે, જો દરખાસ્ત મંજૂર થાય તે પહેલા ચૂંટણી અાવી જાય તો અગાઉની સ્થિતિ મુજબ જ ચૂંટણી યોજાય છે. વધુમાં જયારે દરખાસ્ત મંજૂર થાય છે ત્યારે તે મુજબ નવી બુક બહાર પાડવામાં અાવે છે અેમ નાયબ મામલતદાર ઠક્કરે જણાવ્યું હતું.

હવેથી ગ્રામ્ય, શહેરી વિસ્તારમાં અેક મતદાન મથક દીઠ 1500 મતદારો
ચૂંટણી પંચ દ્વારા અગાઉ અેક મતદાન મથક દીઠ ગ્રામ્ય વિસ્તારમાં 1200 અને શહેરી વિસ્તારમાં 1400 મતદારો નિયત કરાયા હતા. જો કે, હવે તેમાં સુધારો કરીને ગ્રામ્ય અને શહેરી મતદાન મથકોમાં દરેક મતદાન મથકમાં 1500 મતદારોની સંખ્યા નક્કી કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...