તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભુજના કુખ્યાત ત્રણ બુકીઓ આઇપીએલ પૂર્વે વિદેશ ભણી દુબઇથી રમાડશે સટ્ટો

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન આઇડી વ્યવસ્થા ગોઠવી IPL માટે તખ્તો ગોઠવાયો દુબઇમાં
  • ક્રિકેટના મેદાન બહાર ખેલાય છે કરોડોના ખેલ
  • પોલીસ વડાની કડકાઇથી સેટિંગ ન થયું, વળી વિકલ્પમાં કોરોના હોટસ્પોટ અમદાવાદ અને સૂરત સુરક્ષિત ન લાગતા મુખ્ય બુકીઓ દુબઇ ગયા

દુબઈનું નામ આવે એટલે ચમક દમક, મુક્ત વ્યાપાર અને સાથે ભારતના અન્ડરવર્લ્ડ પ્રવૃત્તિઓ યાદ આવે પરંતુ આ વિખ્યાત શહેરથી આઇપીએલ ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ગોઠવાયું છે. ભુજના મુખ્ય ત્રણ બુકીઓ તેની ચાર ચાર જણાની ટીમ લઈ દુબઈ રવાના થઈ ગયા છે. જે આગામી 19 સપ્ટેમ્બરથી રમાનાર ઇન્ડિયન પ્રમિયર લીગ ક્રિકેટ મેચ પર કરોડોનો સટ્ટો રમાડશે.

આ ક્ષેત્રના ‘અંદરના’ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ક્રિકેટ પર સટ્ટો તો વર્ષોથી રમાય છે. જેમાં નાના પંટરો થી કરીને લાખોનું કટિંગ કરતા બુકીઓ સામેલ છે. મેચ દરમિયાન મિનિટે મિનિટે ભાવ નીકળે અને ખેલી પૈસા લગાવ્યા કરે. તેવી જ રીતે ક્રિકેટ મેચ રમતા દેશની હાર જીતના ભાવ પણ બદલાયા કરે. આઇપીએલ કે અન્ય વન્ડે ક્રિકેટ સટ્ટાનું સમગ્ર સંચાલન ભુજથી થતું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ વખત એવું બન્યું છે કે, મુખ્ય ત્રણ બુકીઓ રઝાક, મનીઓ અને રસિક દુબઈ પહોંચી ગયા છે. મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન બુકિંગ થાય છે, અને હિસાબ પણ તેમાં જ કરી અઠવાડિયે પૈસાની લેવડ દેવડ થઈ જાય છે. કચ્છમાં માત્ર ભુજ જ નહિ, સામખિયાળી, રાપર વગેરે સ્થળોએ પણ ઓફિસ કરી લેતીદેતી થાય છે.

સોથી વધુ સ્થાનિકે બુકીઓ છે. જે વહીવટ સંભાળે છે. પોલીસ વડાની ધ્યાન બહાર હશે, પણ પોલીસ સ્ટાફની ધ્યાન બહાર તો નથી જ હોતું. મુખ્ય બુકીઓ દુબઈ જવા પાછળ સૂત્રો એમ શક્યતા દર્શાવે છે કે, કાં તો નવા પોલીસ અધિક્ષક કડક હોવાથી સેટિંગ નથી ગોઠવાયું, અથવા તો ગુજરાતના અન્ય સેન્ટર અમદાવાદ, સુરત કે મહારાષ્ટ્રના મુંબઈ કોરોના હોટ સ્પોટ બનતા ત્યાં જવાને બદલે સીધુ દુબઇ પસંદ કરાયું છે. આઇપીએલ સીઝન રમાશે પણ દુબઈ, જેથી બંને કામ થઈ શકે. ત્યાંથી સંચાલન કરવાનું મુખ્ય કારણ કે, ત્યાં કોઈ પોલીસ કાર્યવાહીની બીક જ નહિ.

આવી કોઈ ગેરપ્રવૃત્તિ માલૂમ પડશે તો કડક કાર્યવાહી કરીશું : પોલીસ વડા
ક્રિકેટ મેચ પર સટ્ટાના નેટવર્ક વિશે પૂછતાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘે જણાવ્યું હતું કે, અમારે ધ્યાને આવી કોઈ ગેર કાયદેસર પ્રવૃત્તિ આવશે તો સખત પગલા લેશું. હેલ્પ લાઇન નંબર પણ આપેલા જ છે, સીધો મારો સંપર્ક કરી શકે છે. હજી સુધી એવા કોઈ સ્થળની માહિતી નથી.

મોબાઈલ એપ્લિકેશનમાં 5 હજારથી 5 લાખની આઇડી
આમ તો પંદરથી વધુ એપ્લિકેશન છે કે જેમાં ક્રિકેટ સટ્ટો રમાડી શકાય છે, પરંતુ બેટ ફોર વન, વીઆઇપી, ડાયમંડ પર ભુજના બુકીઓ આઇડી બનાવે છે. જેમાં પાંચ હજારથી પાંચ લાખ સુધીની ક્રેડિટ મળે છે. અઠવાડિયે હાર જીતના હિસાબ થાય છે.

સટ્ટા પર માત્ર લુખ્ખાઓ જ નહીં પરંતુ શહેરના પ્રતિષ્ઠિત લોકો પણ લગાવે છે દાવ
સૂત્રોના જણાવ્યા મુજબ ક્રિકેટ સટ્ટા પર છેલ્લા દાયકાથી શહેરની નામાંકિત પેઢીના માલિકો અને પ્રતિષ્ઠિત વેપારીઓ પણ નસીબ અજમાવતા થયા છે. આઇપીએલ જેવી વિશિષ્ટ ક્રિકેટ મેચ માટે લાખો રૂપિયાનું ખાસ બજેટ ફાળવે છે.

મહારાષ્ટ્રનું દેવાલાલી નાનું પણ સટ્ટાનું મોટું હબ
ભારતમાં ક્રિકેટ સટ્ટા માટે મુંબઈ, અમદાવાદ, સુરત, બેંગલોર અને ચેન્નાઇ મુખ્ય મથક છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રનું દેવલાલી મુખ્ય હબ છે. અહીંથી ક્રિકેટ સટ્ટાના સંચાલકો બહુ મોટા પાયે સટ્ટો રમાડે છે. એમાં પણ કચ્છી જૈન સમાજના સટોડિયા તો ત્યાં પાંચથી દસ કરોડની કિંમતના કોટેજ લઈ રાખ્યા છે, જ્યાં આઇપીએલ જેવી મહત્વની ક્રિકેટ મેચ વખતે ઓફિસ બનાવી સટ્ટો રમાડે છે.

અન્ય સમાચારો પણ છે...