અંજાર તાલુકાના રત્નાલ સાપેડા વચ્ચેના ધોરીમાર્ગ પર આજે સોમવારે સવારે 4 વાગ્યે ગાંધીધામ તરફ જતી ઇકો કાર સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. જેમાં સવાર સાળા-બનેવીને સારવાર મળે તે પૂર્વે જ કરૂણ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય 3 લોકોને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચતા તેમને આદિપુર રામ બાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક જ સપ્તાહમાં ગાંધીધામ વિસ્તારના મહેશ્વરી સમાજના 4 યુવકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતાં સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગત સપ્તાહે મુન્દ્રા નજીક ગાંધીધામના મહેશ્વરી સમાજના બે યુવકોના કાર અકસ્માતમાં મોત નીપજ્યાં બાદ આજે વધુ બે યુવકોના અંજારના સાપેડા પાસે કાર અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
મૂળ કીડાના રહેતા હતભાગી 24 વર્ષીય વિજય ભારમલ મહેશ્વરી અને તેમના 28 વર્ષીય સાળા સાગર ભગવાનજી મહેશ્વરી અન્ય 4 જેટલા યુવકો સાથે નલિયાના મતીયા દેવના મેળામાં સેવા આપી ગાંધીધામ પરત જઈ રહ્યા હતા. ત્યારે અંજારના સાપેડા પાસે તેમની ઇકો કાર નંબર GJ12 BW 7796 સામેથી આવતી ટ્રક નંબર GJ12 CP 3723 સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. જેમાં કારમાં સવાર હરેશ અને તેના સાળા સાગરનું સારવાર પૂર્વે જ મોત નીપજ્યાં હતાં. અંજાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વરસામેડી રોડ પર વાહને બાઈક ચાલક યુવાનને હડફેટે લેતા મૃત્યુ
અંજારથી વરસામેડી જતા હાઇવે પર રૂકનશા પીરની દરગાહ સામે રવિવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈક પર સવાર 38 વર્ષીય કલ્પેશ માવજીભાઈ રાજગોરને હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
જેથી તેને અંજારની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જે બાદ માધાપરના કેવલ હોમ્સ ખાતે રહેતા મૃતકના ભાઈ જીતેન્દ્રભાઈ માવજીભાઈ રાજગોરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જે બાદ મૃતદેહ સ્વીકારી અંજાર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.