• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Three Candidates Contest For The Post Of Gram Panchayat Sarpanch At Dayapar Lakhpat Taluka Headquarters, 10 Ward Members Become Uncontested

ચૂંટણીનો ત્રિ-પાંખીયો જંગ:લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ગ્રામ પંચાયતના સરપંચનું પદ મેળવવા ત્રણ ઉમેદવાર મેદાને, 10 વોર્ડના સભ્યો થયા બિનહરીફ

ભુજએક મહિનો પહેલા
  • શિક્ષિત યુવતી અને ભાજપના પીઢ ઉમેદવારના પત્ની વચ્ચે ટક્કરની સંભાવના
  • સ્ત્રી અનામત સરપંચ પદ માટે યોજાશે મતદાન
  • મૂળભૂત સુવિધાઓ પુરી પાડવાના વચન સાથે ઉમેદવારોનો પ્રચાર

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલું લખપતનું તાલુકા મથક સમુ દયાપર ગામ હાલ પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારોના પ્રચાર પ્રસારથી લોકશાહીના પર્વની ઉજવણીમાં વ્યસ્ત બન્યું છે. અંદાજિત 4500ની વસ્તીમાં 3142 મતદારો ધરાવતા દયાપરમાં ગ્રામ પંચાયતના 10 વોર્ડ આવેલા છે. તે તમામ વોર્ડના સભ્યો બિનહરીફ વરાયા છે, જ્યારે માત્ર સ્ત્રી અનામત સરપંચ પદની ચૂંટણી માટે હાલ ત્રણ ઉમેદવારો વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગામના ઇતિહાસમાં એક સાથે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગનો બનાવ પ્રથમ વખત નોંધાયો છે.

નેત્રા (દયાપર)ની જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા પૂર્વ સભ્ય હસમુખ પટેલના પત્ની જયાબેન ગત ટર્મથી પહેલા સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ફરીથી તેઓ સરપંચ બનવા લાઈટ, પાણી અને રસ્તા સહિતની મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવાના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. તેમના પતિ હસુમુખભાઈએ નાના માણસોના અટકેલા કાર્યો કરવાની વાત સાથે ગામનો સર્વાંગી વિકાસ કરવાની વાત કરી હતી.

બીજી તરફ માત્ર 23 વર્ષની ઉંમરના અને એમ.એ.બી.એડ.નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા આરતી પ્રવીણભાઈ ચાવડા પ્રથમ વખત સરપંચ બનવા ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ગામની પ્રગતિ માટે અનેક જરૂરિયાતો છે, જેમાં પાણીની સુવિધા વધારવી, આરસીસી રોડ બનાવવા, સફાઈ અને જરૂરિયાતમંદ લોકોને બીપીએલ કાર્ડનો લાભ અપાવવો, આ સહિતના મુદ્દે તેઓ પ્રચાર કરી રહ્યાં છે.

ત્રીજા ઉમેદવાર તરીકે હેમલતાબેન ખીમજીભાઈ પટેલે પણ ગ્રામ વિકાસની વાત કરી હતી. તેમજ ગામના અટકેલા કાર્યો પૂર્ણ કરવા મહેનત કરવાનું વચન આપી પોતાની જીત માટે સહયોગી બનવા પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.

ગામના વેપારી ભરત ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ વખતની ચૂંટણી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે રસપ્રદ છે. કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત સરપંચ બનવા ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચોક્કસથી આ વિસ્તારમાં ભાજપ પક્ષનું વર્ચસ્વ રહેલું છે તેથી ભાજપ તરફી ઉમેદવારને ફાયદો મળી શકે એમ છે. તો નવા ચહેરાને પણ લોકો લઈ આવે તો નવાઈ નહિ.

અન્ય સમાચારો પણ છે...