સફેદ રણની સુંદરતા:આ અમેરિકાનું અલાસ્કા નહીં પરંતુ કચ્છનું અતુલ્ય સફેદ મોટું રણ છે; અહીં નમક નથી જામ્યું, પણ ધોળાવીરાના આ માર્ગે સફેદ ચાદર છવાઈ!

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચો તરફ સફેદી જોઇને અમેરિકાનું અલાસ્કા યાદ આવે ! જ્યાં નજર નાખો ત્યાં બરફાચ્છાહિત ગ્લેશીયર... પણ માનસો ? આ દ્રશ્ય ધોળાવીરા જતા માર્ગનું છે અને ગાઢ સફેદ આવરણ કચ્છના મોટારણમાં જામેલા નમકના થરનું છે ?

ચાર મહિલા પૂર્વે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયેલા ધોળાવીરા જવું હોય તો અત્યારે ભુજ-ભચાઉથી રાપર થઇને આ રસ્તેથી જવાય.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આમંત્રિત દિલ્હીના યુવા ફોટોગ્રાફર નિમિત નિગમે કચ્છના પ્રવાસ દરમિયાન રણદ્રીય ખડીર જતા માર્ગે આ ફોટોગ્રાફી કરી હતી. ધોળાવીરા વૈશ્વિક વિરાસત જાહેર થયા પછી તેને પ્રમોટ કરવા નિમિતે આ પ્રવાસ ખેડ્યો. ત્યારે તાજેતરમાં લીધેલો સફેદ રણનો એરિયલ વ્યુ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી રહ્યો છે.

ટુરિઝમ વિભાગ દ્વારા સોશિયલ મીડિયામાં આ ફોટોગ્રાફી શેર કરવામાં આવી ત્યારે કચ્છના પ્રકૃતિપ્રેમી લોકોએ ફોટોને અલગ અલગ અભિપ્રાયો આપ્યા હતા. રમણિક સોમેશ્વરે રચેલી કવિતાની જેમ લોકોએ કહ્યું ‘સફેદ સફેદ દેખાય છે, કદાચ દરિયો હોય અથવા રણ અથવવા બંને’ ફોટોમાં દ્રશ્યમાન મીઠાનું રણ જોઇને લાગે છે કે જાણે રણ મીઠાનું નહીં પણ દૂધથી ભરેલો તરબતર સાગર છે. તો કોઇએ કહ્યું હિમાલયના ગ્લેશિયર રસ્તા પર ધસમસતા રોડ તરફ આવી રહ્યા છે. તો કોઇએ કહ્યું હતું કે જમીન આસમાનનું શ્વેતામિલન સર્જાયું છે. પાછોતરા વરસાદના કારણે ધોરડોના સફેદ રણમાં વરસાદી પાણી હજુ ભરાયેલા છે. જેના કારણે નમકારચ્છાદિત સફેદ રણ જોવા પ્રવાસીઓને હજુ રાહ જોવી પડશે.

કલેક્ટરે કરેલી તાકીદની નેશનલ હાઇવે ઓથોરિટીને અસર ન થઇ !
મહત્વાકાંક્ષી ઘડુલી-સાંતલપુર માર્ગમાં ખાવડા-ખડીર વચ્ચેના 30 કિ.મી.ના મંદગતિએ ચાલતા કામમાં ઝડપ લાવવા અને એક તરફનો રોડ મોટરેબલ બનાવવા કલેક્ટરે ચોમાસા પૂર્વે કરેલી તાકીદની નેશનલ હાઇવે ઓથોરિટી પર જાણે કોઇ અસર જ નથી થઇ.

તો ભુજથી આશરે 100 કિ.મી.નું અંતર ઘટી ગયું હોત
અફસોસ કે ખાવડા-ખડીરને જોડતા માર્ગે નિર્માણનું કામ દાયકાઓથી મંથરગતિએ ચાલતું હોવાથી તસવીરમાં પ્રસ્તુતરણનો આ આહ્યદક નજારો જોવા પ્રવાસીઓને આશરે 225 કિ.મી.ની લાંબી સફર ખેડવી પડે છે. ધોરડોમાં હજુ નમકના થરને બદલે પાણી છે. જે ડિસેમ્બરના મધ્ય સુધી રહેશે. જ્યારે ખડીર(ધોળાવીરા)તરફના રણમાં સફેદી બરાબર જામી છે. ઘડુલી-સાંતલપુર રસ્તામાં જો વચ્ચેના 30 કિ.મી.નું કામ થઇ જાય તો પર્યટકોને 100 કિ.મી.નો ફેરો બચી જાય. નિમિતે ભાસ્કરને પોતાના અનુભવો શેર કરતા કહ્યું કે, ‘અમને પ્રવાસન નિગમ દ્વારા ધોળાવીરા, છીપ્પર પોઇન્ટ, ફોસિલ પાર્કની ફોટોગ્રાફી કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા, છીપ્પર પોઇન્ટનો કાચો રસ્તો પાર કરવા મુશ્કેલી પડી હતી પણ ત્યાં ના સ્થાનિક રહીશએ અમારી ખુબ મદદ કરી હતી. ધોળાવીરાથી ખાવડાનો માર્ગ પણ કાચો છે. એ સારો થઇ જાય તો પ્રવાસીઓ વધુ આકર્ષાય તેમ છે. અહીંનું લોકલ ફુડ અને રણનું સૌન્દર્ય અમને વારંવાર કચ્છ પ્રવાસ માટે ખેંચી લાવે છે’