બાગાયત કલસ્ટર ડેવલોમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત દેશના 12 પાયલોટ કલસ્ટરો પૈકી કચ્છની કેરી પસંદ કરાઇ છે. જે અંતર્ગત ભુજ ખાતે કચ્છ મેંગો કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ વિશે વર્કશોપ યોજાયો હતો. નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.ના સહયોગથી યોજાયેલા વર્કશોપમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કેરીની બ્રાન્ડીંગ ઉભી કરવા કચ્છને કેરી કલસ્ટર તરીકે વિકસાવવા વિશાળ શકયતા છે એમ જણાવાયું હતું.
ભારત સરકારની કલસ્ટર પ્રોગ્રામ અંતર્ગત કચ્છમાં 200 કરોડના રોકાણની પરિકલ્પના છે. જેમાં રોકાણકારને 50 કરોડ સુધીની સહાય મળવાપાત્ર છે તેમ કહેતાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેકટર ડી.કે.પારેખે ખેડૂત ઉત્પાદક સંગઠનો બનાવવા જણાવ્યું હતું. નેશનલ ફોર્ટીકલ્ચર બોર્ડના નાયબ નિયામક સુરેન્દ્ર સિંઘે આ તકે કહ્યું હતું કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અંતર્ગત પ્રોગ્રામ અમલીકરણ કરાશે. ઉત્તમ પ્રકારની ગુણાવતાવાળા ફળોનું ઉત્પાદન કરો. મેંગો કલસ્ટરની સફળતા એમાં છે.
કચ્છના કેરી ઉત્પાદકો એક સાથે જોડાઇ સહયોગ વધારે તો ગુજરાત એગ્રો કોર્પોરેશન, સહયોગ પૂરો પાડશે. બાગાયત સંયુકત નિયામક ડો.ફાલ્ગુન મોઢે બાગાયત ક્ષેત્રે સખત પરિશ્રમથી કચ્છી ખેડૂતોએ ક્રાંતિ કરી છે, ખેડૂતો વેપારી બનશે તો જ આર્થિક ઉન્નતિ થશે. ખેતી સહકારનો વિષય છે સ્પર્ધાનો નહીં તેમ કહેતાં વૈજ્ઞાનિક પધ્ધતિ અને ટેકનોલોજીથી ખેતી સુધારણા પર ભાર મૂક્યો હતો. સરકારની વિવિધ સહાયનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એડીશનલ જનરલ મેનેજર હેતલબેન દેસાઇએ જણાવ્યુ હતું કે, દેશમાં પ્રાથમિક તબકકે 12 કલસ્ટરો પૈકી રાજયમાંથી કચ્છને કેરી કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ પસંદ કરાયું છે. આ કેન્દ્રિય યોજનામાં 5 થી 15 હજાર હેકટર માટે રોકાણકારને 50 કરોડની નાણાંકીય સહાય મળવાપાત્ર છે. મીલાપ જણસારીએ કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું પ્રેઝન્ટેશન કર્યુ હતું. આભારવિધિ પીનલ પટેલે કરી હતી. જિલ્લાના પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂતો, ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ એકમો, નિકાસકારો, સરકારી અને બિનસરકારી સંસ્થાના અગ્રણીઓએ પ્રોજેકટ અને ખેતી બાબતે રસપ્રદ ચર્ચા અને પ્રશ્નોત્તરી કરી હતી. આ પ્રોજેકટમાં મુડીરોકાણ માટેનું ઓનલાઇન ટેન્ડર ૩૧/૫/૨૦૨૨ સુધી ભરી શકાશે રૂ.૨૦૦ કરોડના પ્રોજેકટમાં ત્રણ વર્ટીકલ છે. જે પૈકી એક એક વર્ટીકલમાં મુડીરોકાણ થઇ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.