કચ્છમાં તસ્કર રાજ:ગાંધીધામ, આદિપુર, ગઢશીશા, સિયોત, વાયોરમાં ચોરી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં ઘરનો નકુચો તોડી તસ્કરો 72 હજારની માલમત્તા ઉસેડી ગયા
  • લખપતના સીયોતમાં 3 ટ્રેકટરમાંથી બેટરી તો અલ્ટ્રાટેક કંપનીમાંથી લોખંડની તસ્કરી

કચ્છમાં તસ્કરોનું રાજ હોય તેમ 6 જગ્યાઓએ ચોરીને અંજામ આપી પોલીસે દોડતી કરી મુકી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના ચાવલાચોક શિવ મંદિર પાછળ આવેલા ઝૂંપડામાં રહેતા મરિયમબેન અબ્દુલભાઇ સખાયાએ ફરિયાદ નોંધાવી છે કે બુધવારે તેઓ પતિ સાથે આદિપુર રહેતા જુના પડોશી શાંતિમાસી બીમાર હોઇ પુછા કરવા ગયા હતા અને ત્યાંથી ખરીદી કરી મોડી રાત્રે 1 વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો નકુચો તૂટેલો હતો. અંદર તેમના બે પુત્ર સૂતા હતા અને બીજા રૂમમાં જ્યાં તિજોરીમાંથી તસ્કરોએ રૂ.30 હજારની કિંમતની 1 તોલાની સોનાની બૂટીની જોડ, રૂ.8 હજારની કિંમતની સોનાની હેર,રૂ.7 હજારનું સોનાનું પેન્ડલ, રૂ.7 હજારના બે મોબાઇલ અને રૂ.20 હજાર રોકડ મળી કુલ રૂ. 72,000 ની ચોરીને અંજામ આપ્યો હોવાની જાણ થતાં આ ફરિયાદ નોંધાવી હતી.

તો, બીજી તરફ અબડાસા તાલુકાના વાયોર ખાતેની અલ્ટ્રાટેક કંપનીમાં ફરજ બજાવતા સુભાષચંદ્ર રામરથ ગંગારામ રાનૌતે વાયોર પોલીસ મથકે આરોપી સિકંદર હસણ ઓઢેજા,મહમદરફીક આદમ ઓઢેજા, સિકંદર ઈસમાલ ઓઢેજા, ગફૂરશા મામદશા પીંજાદા રહે ચારેય વાયોરના નામ જોગ ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચોરીનો બનાવ 16 સપ્ટેમ્બરના રાત્રિના ૧૦ વાગ્યાથી 17 ના સવાર દરમિયાન બન્યો હતો અલ્ટ્રાટેક કંપનીના પ્લાન્ટ એરિયામાં આવેલ મશીન યાર્ડના ખુલ્લા વિસ્તારમાંથી આરોપીઓએ લોખંડના ચેનલો નંગ 15 કિંમત રૂપિયા 7,500 તથા લોખંડના રોલર નંગ 13, કિંમત રૂપિયા 13 હજાર મળીને 20,500ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. વાયર પોલીસ બનાવની નોંધ લઇ તાત્કાલિક આરોપી સિકંદર હસણ ઓઢેજા (ઉ.વ.30) અને મહમદરફીક આધમ ઓઢેજા (ઉ.વ.22) ને ઝડપી પાડયા હતા જ્યારે સિકંદર ઈસ્માઈલ ઓઢેજા, અને ગફૂરશા મામદશા પીંજાદાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે લખપતના સીયોત તાલુકાના ગ્રામ પંચાયત દ્વારા દયાપર પોલીસ મથકે કરવામાં આવેલી લેખિત રજૂઆત દ્વારા જણાવ્યું હતું કે બુધવારે રાતે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ દ્વારા ગામની શેરીઓમાં ઊભેલાં ખેડૂતો માં ખેતાલાલ રતનશી પટેલના ટ્રેકટરમાંથી એરફિલ્ટર, ટોપલીંગ, ટ્રેકટરપીન, તેમજ રમેશભાઇ દેવશીભાઇ પટેલના ટેકટર માંથી બેટરી, પીન તથા ડ્રોબાર, અને મોહનલાલ દામજી પટેલના ટેકટરમાંથી બેટરી,પીન, દાંતીટોપલીંગ, એર ફિલ્ટર સહિત 20થી 22 હજારના મુદામાલ ચોરી, બુધવારે રાત્રી દરમિયાન થઇ હતી.

ચોરીના બનાવથી ગ્રામ પંચાયત દ્વારા અરજી આપીને ચોકી પહેરા માટે જી.આર.ડી.ના જવાનોનું બંદોબસ્ત મુકવા અને રાત્રી પેટ્રોલીંગ વધારવા માટે ગ્રામ પંચાયતના દેવુબેન વીરજીએ દયાપર પોલીસને લેખિત રજૂઆત કરી હતી. ગામના આગેવાન શંકરલાલ પટેલે ચોરીના વધતા બનાવોથી રાત્રી પેટ્રોલીંગ સઘન કરવા જણાવ્યું હતું જેથી ચોરીના બનાવો પર રોક આવે.

મેઘપર(કું) માંથી બાઇક ચોરાયું
અંજારના મેઘપર કુંભારડીમાં આવેલા સિધ્ધાર્થ પાર્કમાં રહેતા અને આદિપુર પોલીસ લાઇનમાં નોકરી કરતા દિનેશભાઇ ખીમાભાઇ ચૈયા(આહીર) એ પોતાનું રૂ.35,000 ની કિંમતનું બાઇક તા.20-21ની રાત્રે ચોરાઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...