કચ્છનું ગૌરવ:અંજારના બે સર્જકોની કૃતિઓ ભાવનગરની યુનિવર્સિટીમાં ભણાવાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માવજી મહેશ્વરી અને અજય સોનીની ‘આંબો’ અને ‘તરસ’ અભ્યાસક્રમમાં સામેલ

અંજારના બે લેખકો માવજી મહેશ્વરી અને અજય સોનીની બે કૃતિઓ ‘આંબો’ અને ‘તરસ’ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં સામેલ કરી છે. આર્ટ્સ વિભાગના ત્રીજા વર્ષના અભ્યાસક્રમમાં સમાવાયેલી આ કૃતિઓ વર્ષ 2022-23થી ભણાવવામાં આવશે.

કચ્છના લોકાલ અને પરિવેશને રજુ કરતો માવજી મહેશ્વરીનો લલિત નિબંધ ‘આંબો’ અને કચ્છના રણની તરસ અને માનવીય જીવનને તાદશ્ય કરતી ટૂંકીવાર્તા ‘તરસ’ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં નવા બનેલા અભ્યાસક્રમમાં સામેલ થઇ છે. આ બન્ને કૃતિઓ કચ્છનો પરિવેશ અને કચ્છના લોકજીવનની છબી ઝીલતી કૃતિઓ છે. માવજી મહેશ્વરીનો લલિત નિબંધ આંબો તેમના નિબંધ સંગ્રહ ‘બોર’મા સંગ્રહિત છે. આ લલિત નિબંધ સંગ્રહને જુદા જુદા ચાર પુરસ્કાર મળેલા છે.

જ્યારે અજય સોનીની તરસ વાર્તા તેમના ‘રેતીનો માણસ’ નામના વાર્તા સંગ્રહમાં સંગ્રહિત થયેલી છે. આ વાર્તાસંગ્રહને સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા યુવા સર્જકોને અપાતો પુરસ્કાર તેમજ અન્ય પુરસ્કારો પણ મળેલા છે. માવજી મહેશ્વરીના સાહિત્ય ઉપર જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પીએચડી કરી ચૂક્યા છે અને કેટલાક કરી રહ્યા છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી કરી રહેલી એક વિદ્યાર્થીની કચ્છના ત્રણ સર્જકો વીનેશ અંતાણી, માવજી મહેશ્વરી અને અજય સોનીની વાર્તાઓ ઉપર પીએચડી કરી રહ્યા છે. માવજી મહેશ્વરી દિવ્યભાસ્કરની રસરંગ પૂર્તિના કોલમીસ્ટ પણ છે.

અન્ય સમાચારો પણ છે...