કાર્યક્રમ:આત્મબળે સંઘર્ષ કરીને આગળ આવેલી કચ્છની મહિલાઓ ભૂમિનું ગૌરવ છે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં ‘ગરવાઇ’ કર્મશીલ મહિલાઓનો અભિવાદનનો અનોખો કાર્યક્રમ યોજાયો

‘કચ્છની ભૂમિની તાસીર જ કંઈક અલગ છે. અનેક વિટંબણાઓ વચ્ચે આત્મબળે સંઘર્ષ કરીને આગળ વધેલી કચ્છની મહિલાઓ આ ભૂમિનું ગૌરવ છે. પોતાની વિશિષ્ટ આવડતો થકી આવી મહિલાઓએ અન્યોને પ્રેરણારૂપ દષ્ટાંતો પુરા પાડીને નારીજગતનું ગૌરવ વધાર્યું છે.’ તેવું ભુજમાં ‘ગરવાઈ’ કર્મશીલ મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીએ જણાવ્યું હતું. તેઓએ કાર્યક્રમ આયોજક ગોરધન પટેલ ‘કવિ’ને આવો અલાયદો અવસર ઉભાં કરવાનો વિચાર આવ્યો તેની નોંધ લઈને જીવંત પાત્રોને પોંખવાના આ કાર્યક્રમને સિમાચિન્હરૂપ લેખાવ્યો હતો.

વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટ ધ્વારા આયોજીત કાર્યક્રમમાં સૌને આવકારતા વિવેકગ્રામ પ્રકાશન અધિકારી ગોરધન પટેલ’કવિએ કચ્છની આત્મનિર્ભર નારીશક્તિઓનો પરિચય આપતું પુસ્તક ગરવાઈનું પ્રકાશન કરવા બદલ રાજીપો વ્યકત કરીને પુસ્તકની પ્રસ્તાવના લખનાર જાણીતા સાહિત્યકાર કિરીટ દૂધાતને ટાંકીને પૂજા-પાઠ કરવાનું ચુકી જઈએ તો આ પુસ્તકનું એકાદ પ્રકરણ વાંચી લેવા અનુરોધ કર્યો હતો. પુસ્તક લેખિકા પૂજા કશ્યપએ જણાવ્યું હતું કે કચ્છની મહિલાઓની સ્વબળે આગળ વધવાની પ્રેરક ગાથાઓ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ છે તેના થકી નારીઓની વિશિષ્ટ પહેચાન પ્રગટી છે.

આ પ્રસંગે વીઆરટીઆઈના ટ્રસ્ટી પ્રિતીબેન દિપેશભાઈ શ્રોફ અને શ્રુજન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફએ આત્મનિર્ભર મહિલાઓને અભિનંદન આપીને પડકારો સામે જજુમવાની તેઓની શક્તિઓને બિરદાવી હતી.

આ પ્રસંગે ‘ગરવાઈ સંલગ્ન મહિલાઓનું અભિવાદન સાહિત્ય-શિક્ષણપ્રેમી પ્રવીણભાઇ નાગજી વીરા પરિવાર ધ્વારા ‘ગરવાઈ’ પુસ્તક આપીને તથા કશ્યપ સોની પરિવાર ધ્વારા શાલથી સર્વ કીર્તિભાઈ ખત્રી, પ્રિતીબેન શ્રોફ, અમીબેન શ્રોફ, પુષ્પદાનભાઈ ગઢવી, ઝવેરીલાલ સોનેજી, ડો. કાન્તિ ગોર, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, નરેશ અંતાણી, નેણશી મીઠીયા, શિવદાસભાઈ પટેલ, નિરૂપમ છાયા વિગેરે ઉપરાંત લેખિકા પરિવારના વીણાબેન વ્રજલાલ સોનીના હસ્તે કરાયું હતું.

મંચ પરથી તમામ મહિલાઓ વતી પ્રતિભાવ આપતાં કવિતાબેન મહેતા, ભાવનાબેન માંકડ, જાગૃતિબેન વકીલ અને ભાવનાબેન અંજારવાળાએ આવી સુંદર તક આપવા બદલ લેખિકા અને પ્રકાશન સંસ્થાનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...