ચકલીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય, તેમને રક્ષણ મળે અને લોકોમાં પક્ષીઓ પ્રત્યે પ્રેમ જળવાઈ રહે તેવા ઉમદા હેતુસર ગાંધીધામના એક ગૃહિણી દ્વારા પક્ષીઓના બચાવ માટે નાનકડો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જ્યાં તેમના દ્વારા માટીના બનેલા ચકલીઘર ઉપર વિવિધ આકારના કલરફુલ ચિત્રો દોરી, પડતર કિંમતથી નજીકના ભાવે લોકોને પક્ષીઘર આપવામાં આવે છે. જેની નફાની રકમ પક્ષીઓને ચણ માટે ખર્ચ કરવામાં આવે છે. આ ચકલીઘર બાળકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યા છે.
પશુ પક્ષીઓ પ્રત્યે બાળકોને બાળપણથી જ સંવેદના જાગે તથા પર્યાવરણ અને વૃક્ષ માટે પ્રેમમાં વધારો થાય તે હેતુથી ચકલી ઘર પર ચિત્રો દોરીને પ્રકૃતિ સંવર્ધન માટે ગાંધીધામ ઇફ્કો કોલોનીમાં રહેતા આરતીબેન કિશોરભાઈ જોશી પ્રયાસ કરી રહ્યા છે. આ વિશે આરતીબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલના સમયમાં ટેક્નોલોજીના ભરમાર વચ્ચે ખાસ કરીને બાળકો પ્રકૃતિથી જાણે અજાણે દૂર જઈ રહ્યા છે. ત્યારે આપણો પ્રાકૃતિક વારસો, વન સંપદા, પશુ પક્ષીઓ સાથેની તાદાત્મ્યતા કેળવીને તેમના સંરક્ષણની ભાવના વિકસે તેવા વિચાર સાથે આ પ્રયાસ કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "માટીના તૈયાર પક્ષી ઘર લઈને પોતાની આગવી કોઠાસૂઝથી વિવિધ જાતના ચિત્રો બનાવું છું. ખાસ કરીને બાળકોના મનપસંદ કાર્ટૂન પાત્રો, પશુ પક્ષીઓ, વૃક્ષોના ચિત્રો વગેરે આકારો દોરીને તેમાં રંગ પૂરી તૈયાર કરું છું. આ માટે ખાસ કોઈ તાલીમ કે કોર્સ કર્યા નથી, માત્ર મહાવરાથી આ કાર્ય પાર પાડવામાં આવે છે." તેમણે આગળ જણાવતાં કહ્યું હતું કે કલરફુલ ચકલીઘર બનાવવાનો વિચાર આવ્યા બાદ ચિત્રો દોરેલા બર્ડ હાઉસ ઘરના પટાંગણમાં લગાવ્યા બાદ અડોસપાડોસમાં તેની પ્રશંસાની સાથે માંગ થવા લાગી અને ત્યારબાદ ઘરે જ કલરફુલ ચકલીઘર બનાવી રાહતદરે વિતરણ કરાય છે. જો કે કલર સહિતનો ખર્ચ જાતે જ ઉપાડીએ છીએ. વિશેષ પક્ષીપ્રેમી ગૃહિણીના ઘરે અનેક રંગબેરંગી બર્ડ હાઉસ રાખેલા છે, જેમાં દરરોજ સંખ્યાબંધ વિવિધ પક્ષીઓના કલરવથી ઘર ગુંજતું રહે છે , તેમનો આ પ્રયાસ હવે લોકપ્રિય બની રહ્યાનું અબડાસાના પિયુષ જોશીએ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.