તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મંગલમ્ પાસે ચોથી વખત પાણીની લાઈન તૂટી, રોડના કામ અટક્યા

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ પાલિકાની બે શાખાઓ વચ્ચે ખોદકામ માટે હરીફાઈ
  • ડ્રેનેજ બ્રાન્ચે કામ પૂરું કર્યા બાદ પણ રિસર્ફેસિંગનું મૂહુર્ત ન નીકળ્યું

ભુજ શહેરમાં શરદબાગથી માંડવી ઓકટ્રોય વાયા મંગલમ્ સુધી રોડનું રિસર્ફેસિંગ કામ ડ્રેનેજ બ્રાન્ચના ખોદકામને કારણે અટક્યા બાદ હવે મંગલમ્ પાસે પાણીની લાઈન ચોથી વખત તૂટી છે, જેથી ફરી રિસર્ફેસિંગ કામ અટક્યું છે.

ભુજ નગરપાલિકાની પાણી વિતરણ શાખા અને ડ્રેનેજ બ્રાન્ચે વિપક્ષને શાસક પક્ષના પદાધિકારીઓ ઉપર છાણા થાપવાની તકો ઉપર તકો આપવાની પરંપરા હજુ પણ ચાલુ રાખી છે. બાંધકામ શાખા રોડનું રિસર્ફેસિંગ કરે ત્યાં ડ્રેનેજ બ્રાન્ચ ખોદકામ કરી પાણી ફેરવી દે. બીજી બાજું શહેરને નિયમિત, પૂરતા દબાણથી અને સ્વચ્છ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નિવડેલી પાણી વિતરણ શાખા પણ લાઈન બદલમાં રોડ ખોદી કામમાં વધારો કરતી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે વરસાદમાં નુકસાની પામેલા રોડની મરંમત માટે ગ્રાન્ટ ફાળવી હતી, જેમાં ભુજ નગરપાલિકાએ બચત ગ્રાન્ટની રકમ ઉમેરીને આખા શહેરમાં રોડના રિસર્ફેસિંગનું કામ શરૂ કર્યું હતું. પરંતુ, ડ્રેનેજ બ્રાન્ચના ખોદકામને કારણે દિવાળી પહેલા સમયસર પૂરું ન થયું. હવે પાણી વિતરણ શાખાએ મંગલમ્ પાસે ચોથી વખત બેસી ગયેલી લાઈન બદલવા ખોદકામ શરૂ કર્યું છે, જેથી દિવાળી બાદ રોડના રિસર્ફેસિંગ કામ શરૂ કરી શકાયું નથી. બંને શાખાઓ પાસે શહેરમાં પથરાયેલી લાઈનોના નકશા નથી. સ્થિતિનો રિપોર્ટ નથી. અવારનવાર લાઈન કેમ બેસી જાય છે એના ચોક્કસ કારણો નથી. દર વખત નીતનવા કારણો આગળ ધરી દે છે. જેને મુખ્ય અધિકારી અને પદાધિકારીઓ માન્ય કેમ રાખે છે એ પણ એક અચરજ છે. છેલ્લે બે વકીલોએ નોટિસો પાઠવ્યા બાદ જિલ્લા ભાજપ કાર્યાલય હરકતમાં આવતા નગરસેવકો કામગીરી બતાવવા દોડતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...