ભાસ્કર એક્સક્લૂઝિવ:લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયે પણ હવે ડ્રેગન ફ્રૂટને ‘કમલમ્’ કહી સંબોધ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરીમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફળના નામ બદલવાની જાહેરાત કરી હતી
  • સૌથી પહેલાં નામ બદલવાની ભલામણ કચ્છના ખેડૂતોએ કરી હતી !

રાજ્ય સરકારે જાન્યુઆરીમાં ડ્રેગન ફ્રુટનું નામ બદલાવી કમલમ કર્યા બાદ હવે ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા પણ ડ્રેગન ફ્રુટ માટે કમલમ્ શબ્દ વાપરવાનું શરૂ કર્યું છે. સંસદના ચાલુ સત્રમાં એક પ્રશ્નના જવાબમાં લોકસભામાં કૃષિ મંત્રી દ્વારા અપાયેલા લેખિત જવાબમાં કમલમ અને કૌસમાં ડ્રેગન ફ્રુટ શખ્દ વાપરવામાં આવ્યું છે. દેશમાં સૌથી પહેલા ડ્રેગન ફ્રુટ માટે કમલમ નામ આપવાની માંગ કચ્છના ખેડૂતોએ કરી હતી.

આ પહેલા ચાલુ વર્ષના જાન્યુઆરીમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાત સરકારે હવે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તેના નામને લઈને અનેક ગેરસમજો ઊભી થતી હતી. જેના પગલે ગુજરાત વન વિભાગ દ્વારા ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચને આ ફળનું નામ કમલમ કરવા એક દરખાસ્ત થઇ હતી. કચ્છના ખેડૂતોએ તે અંગે વિશેષ રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ‘કમલમ્ ફ્રૂટ’ કરવાની જાહેરાત કરી દીધી હતી. તેવામાં હવે ભારત સરકારે પણ ડ્રેગન ફ્રુટ માટે કમલમ શખ્દ વાપરવાનું શરૂ કરી દીધું છે.

તાજેતરમાં દેશમાં વિવિધ વિદેશી ફળો અને બાગાયતી માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાતી મદદ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં વિવિધ વિદેશી ફળોની સાથે ડ્રેગન ફ્રુટનું દેશમાં કયા-કયા રાજ્યમાં વાવેતર થાય છે તેની વિગતો કૃષિ મંત્રાલયે આપી હતી. જેમાં લેખિતમાં કમલમ અને કૌસમાં ડ્રેગન ફ્રુટ શખ્દ વાપરવામાં આવ્યું છે. આમ એક રીતે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી દરખાસ્તની માન્યતા મળી ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

કચ્છમાં લગભગ 150થી વધારે ખેડૂતો આ ફ્રૂટની ખેતી કરે છે. કચ્છમાં મોટી માત્રામાં આ ફળનો પાક લેવામાં આવે છે. સ્થાનિક ખેડૂતો દ્વારા ફળનું વિદેશી નામ હોતા કમલમ ફ્રૂટ તરીકે નામ રાખવા ગત જુલાઈએ સાંસદને રજૂઆત કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ પણ તા. 26 જુલાઈ 2020ની મન કી બાતમાં પણ આ ફળનો ઉલ્લેખ કર્યો હતો અને કચ્છના ખેડૂતોની મહેનતની પ્રસંશા કરી હતી. જેતે વખતે ગુજરાતના જંગલ ખાતા દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચને ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ્ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. અધિકારીઓ અને ખેડૂતોનું કહેવું હતું કે, આ ફ્રૂટનો આકાર અને દેખાવ કમળ જેવો છે, તેથી તેનું નામ ‘કમલમ્’ રાખવું જોઈએ.

કચ્છમાં જ મુખ્યમંત્રી કમલમ તૂલામાં છેતરાયા હતા !
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભુજમાં કમલમ તૂલામાં ભયંકર છબરડો બહાર આવ્યો હતો. મુખ્યમંત્રીની કમલમ ફળોથી વજન તૂલા કરાવની હતી, તે બોક્સમાંથી કેટલાકમાં કેળાં નિકળ્યા હતા ! જેના પગલે હાસ્યાસ્પદ સ્થિતિની સાથે મુખ્યમંત્રી અેક રીતે છેતરાયા હતાં. અા મામલામાં પોલીસે પણ તપાસ કરી હતી !

ચીનનું નહીં પણ મેક્સિકો મૂળનું ફળ
ડ્રેગન ફ્રુટ હાયલોસેરિયસ કેક્ટસ પર ઉગે છે, જેને હોનોલુલુ ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ફૂલો ફક્ત રાત્રે જ ખુલે છે. આ છોડ દક્ષિણ મેક્સિકો અને મધ્ય અમેરિકાનુ વતની છે. આજે, તે સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે. તે પિટાયા, પિતાહયા અને સ્ટ્રોબેરી પિઅર સહિતના ઘણા નામોથી પણ ઓળખાય છે.