ભુજ રેલવે મથકને હજુ પણ લાગેલું કોરોનાનું ગ્રહણ:GMએ ગત વર્ષે જાહેરાત કરેલી ભુજ -સુરત તો ઠીક કોરોનાકાળ પૂર્વેની ભુજની ત્રણ ટ્રેનો પણ શરૂ ન થઈ

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગાંધીધામની ટ્રેનોને ભુજ સુધી લંબાવવાનો વર્ષો જુનો પ્રશ્ન વણઉકેલાયેલો

ભુજ થી સૂરત વચ્ચે લોકલ ટ્રેન શરૂ થશે તેવી જાહેરાત મોટા ઉપાડે ગત ઓક્ટોબર મહીનમા કચ્છની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના જીએમ દ્વારા કરાઈ હતી.જોકે આ જાહેરાતની તો અમલવારી નથી થઈ પણ ભુજથી જે ટ્રેનો ઉપડતી હતી તે પણ હજી સુધી શરૂ થઈ નથી.જિલ્લા મથક ભુજની જનતાને રેલ સેવા બાબતે હળાહળ અન્યાય થઈ રહ્યો છે પણ નબળી નેતાગીરીના પાપે કચ્છનાં લોકોને આજે પણ રેલસેવા મળી શકી નથી. આજથી એક વર્ષ પૂર્વે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ ભુજ રેલવે સ્ટેશને આવ્યા ત્યારે તેમણે કચ્છના રેલ પરિવહન સંદર્ભે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

જેમાં કચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરી ટ્રેનમાં નવા એલએચબી કોચ એલોટ થશે તે જાહેરાતની અમલવારી થઈ ગઈ છે પણ આ સાથે તેઓએ ભુજ થી સુરત માટેની ઇન્ટરસિટી ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે તેવું નિવેદન આપ્યું હતું.જે જાહેરાતને એક વર્ષ થઈ ગયું પણ કોઈ અમલવારી થઈ નથી સાથે ભુજ - નલિયા રેલવે લાઇનના કામમાં પણ કોઈ ગતિ આવી નથી.કોરોના કાળ પૂર્વે ભુજથી ઘણી ટ્રેનો ઉપડતી હતી જે પૈકી આજે પણ ભુજથી ઉપડતી ત્રણ ટ્રેનો શરૂ થઈ નથી.ભુજથી પાલનપુરની રેગ્યુલર અને ભુજથી શાલીમારની વિકલી ટ્રેન શરૂ થઈ નથી તેમજ ભુજથી દાદર વાયા પાલનપુરની સપ્તાહમાં બે વખત ઉપડતી ટ્રેન પણ શરૂ થઈ નથી.

રેલવેના જનરલ મેનેજરે ભુજથી સૂરત સુધી ટ્રેન શરૂ થશે તેવી જાહેરાત કરી હતી આ ટ્રેન તો શરૂ ન થઈ પણ ભુજથી ઉપડતી રેલ સેવા પણ શરૂ થઈ નથી.કચ્છની નબળી નેતાગીરીના કારણે જનતા સાથે રેલસેવા મુદ્દે અન્યાય થઈ રહ્યો છે. ભુજની તુલનાએ ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે નવી ટ્રેનો પણ શરૂ થઈ ગઈ અને મોટાભાગની વિકલી એક્સપ્રેસ પણ દોડવા લાગી છે ત્યારે ભુજ સાથે દર વખતે થતો અન્યાય દૂર કરવા માટે નેતાઓ આગળ આવે એ જરૂરી છે.

ભુજથી અમદાવાદ-વડોદરાની પેસેન્જર ટ્રેન શરૂ કરવા માટે દરખાસ્ત કરી છે : એરિયા રેલવે મેનેજર
રેલવેના એરિયા મેનેજર આદિશ પઠાનીયાને પૂછતાં તેઓએ જણાવ્યું કે,નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં કોરોનાનું વિઘ્ન નડયું છે.ભુજથી અમદાવાદ-વડોદરાની પેસેન્જર ટ્રેન શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે પણ કોરોનાનું સંકટ હટયા બાદ આ દિશામાં આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે.ગાંધીધામ સુધી આવતી ટ્રેનોને ભુજ સુધી લંબાવવા બાબતે કહ્યું કે,ભુજ રેલવે સ્ટેશને હાલ વધારાની ટ્રેનોને સ્ટોપેજ માટે સુવિધા નથી.રેલવે સ્ટેશનના વિસ્તૃતિકરણ બાદ આ દિશામાં પણ પગલાં ભરવામાં આવશે.

કોવિડ સ્પેશ્યલ ટ્રેનના નામે ઉઘાડી લૂંટ
હાલમાં કચ્છથી જેટલી પણ ટ્રેનો દોડી રહી છે તે કોવિડ સ્પેશ્યલ ટ્રેનના નામે દોડાવવામાં આવે છે જેમાં રેગ્યુલર ભાડા કરતા દોઢ ગણા ભાડા લેવામાં આવે છે ઉપરાંત સિનિયર સીટીઝન,વિકલાંગ કે અન્ય કોઈ કન્સેશનનો લાભ પણ આપવામાં આવતો નથી.કોવિડ દરમ્યાન ટ્રેનો બંધ રહી તે ખર્ચા વસૂલવા માટે આ સ્પેશ્યલ ટ્રેનના નેજા હેઠળ ભાડા લેવામાં આવી રહ્યા છે અને હજી પણ જે નવી ટ્રેન શરૂ થશે તે સ્પેશ્યલ ટ્રેનના નામે જ દોડાવવામાં આવશે તેવું પણ આંતરિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

નવી અને હયાત રેલ સેવા શરૂ કરવાના પ્રયાસ ચાલુ છે : સાંસદ
સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે,કોવિડના કારણે હજી પણ ઘણી મીટરગેજ અને પેસેન્જર ટ્રેનો શરૂ થઈ શકી નથી.નવી અને હયાત ટ્રેન શરૂ કરવામાં પણ કોવિડનું જ ગ્રહણ નડી રહ્યું છે. પરિસ્થિતિ થાળે પડી રહી છે.ત્યારે આ ટ્રેનો શરૂ કરવા અંગે પ્રયાસો ચાલુમાં છે. ભુજનું રેલવે સ્ટેશન નવું બન્યા બાદ ગાંધીધામની ટ્રેનો અહીં સુધી આવી શકશે.

મુંબઈની ટ્રેનોમાં પણ 80 ટકા જ મુસાફરો મળે છે : સ્ટેશન મેનેજર
​​​​​​​ભુજ રેલવે સ્ટેશનના મેનેજર કે.કે.શર્માએ જણાવ્યું કે,હાલ ભુજથી ઉપડતી ત્રણ ટ્રેનો બંધ છે ઉપરાંત મુંબઈની જે બંને ટ્રેનો દોડી રહી છે તેમાં હાલ 80 ટકા પ્રવાસીઓ મળી રહે છે.કોવિડ કાળ દરમિયાન બંધ થયેલી ટ્રેનો હજી પણ કેમ શરૂ થઈ નથી તે અંગે પૂછતાં પ્રવાસીઓ ન મળતા હોવાનું કારણ આગળ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...