ભક્તિ:આશાપુરાના જયઘોષથી મંદિર પરિસર ગાજી ઉઠ્યું

માતાના મઢ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઢોલ-શરણાઇ સાથે પતરી વિધિ માટે જતા મહારાણી, અગ્રણીઓ - Divya Bhaskar
ઢોલ-શરણાઇ સાથે પતરી વિધિ માટે જતા મહારાણી, અગ્રણીઓ
  • હજારો શ્રધ્ધાળુઓની હાજરીમાં આદ્યશક્તિના ધર્મસ્થાનકે સ્ત્રીશક્તિનો ઇતિહાસ રચાયો ને...

મહારાવ પ્રાગમલજી ત્રીજાનું પાંચ મહિના પૂર્વે અવસાન થયા બાદ પતરીવિધિ કોણ કરશે એ શ્રધ્ધાળુઓ માટે કુતુહલનું અને રાજ પરિવાર માટે વિવાદનો મુદ્દો બન્યો હતો. અદાલતના દ્વારે આ મામલો પહોંચ્યા બાદ એક વિધવા અને એક મહિલા પતરીવિધિ કેમ ન કરી શકે એવી પ્રશ્નયુક્ત ટિપ્પણી પછી ભુજની અદાલતે તાજેતરમાં જ આ પારંપરિક વિધિનો હક્ક મહારાણીને આપતાં 350 વર્ષ પછી આ વખતે આઠમના દિવસે માતાના મઢમાં મહારાણી પ્રિતીદેવીએ ચામરયાત્રા કાઢી અને પતરીવિધિ સંપન્ન કરતા નવો ઇતિહાસ રચાયો હતો. આ વેળાએ હજારો માઇભક્તની હાજરીમાં મંદિર પરિસર મા આશાપુરાના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું.

....ને હાઇકોર્ટે પણ સ્ટે ન અાપ્યો
ભુજની અદાલતે 22 દિવસ પૂર્વે મહારાણી પ્રિતીદેવીને પતરીવિધિનો હક્ક આપતો ચુકાદો આપ્યા બાદ રોયલ ફેમિલીના પ્રતિપક્ષે ગુજરાતની વડીઅદાલતમાં મનાઇ હુકમની માગણી કરી હતી, અને હજુ ગઇ કાલે (સાતમની સાંજે) જ હાઇકોર્ટે સ્ટે ન અાપીને 20 અોક્ટોબરની મુદ્દત પાડી હતી. પરિણામે પ્રીતિદેવીને પતરીવિધિનો માર્ગ મોકળો થયો હતો.

મહારાણી ગાદીપતિને મળવા ગયા
પતરી ઝીલાયા બાદ મહારાણી અને રાજપરિવારના સભ્યો ગુરૂગાદીઅે જાગીરાધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાને મળવા ગયા હતા અને અાશીર્વાદ મેળવ્યા હતા. અે પછી રાજાબાવા ચાચર કુંડ પાસેના ઉતારે પ્રીતિદેવીને મળવા ગયા, અામ અેક તરફી મળવાની પરંપરા અા વખતે રહી ન હતી.

મહારાણી પગપાળાના બદલે ખુલ્લી જીપમાં સવાર થયા

પરંપરા પ્રમાણે રાજા ચાચર કુંડમાં સ્નાન અને પૂજાવિધિ પછી ખુલ્લા પગે, ચાલતા મંદિર સુધી અાવે, પરંતુ મહારાણી ઉમરલાયક હોવાથી પ્રથમ વખત ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને મંદિર અંદર પણ બાજોઠ ઉપર ઉભીને નહીં, બેસીને પૂજન કર્યું હતું.

મા મઢવાળી રાજી હોય તો જ તત્કાળ પતરી ઝીલાય
મા અાશાપુરાના જમણા ખભે મુકાયેલી પતરી તત્કાળ મળી જાય તો માતાજી રાજી છે અેવું મનાય છે. સામાન્યત: 10થી 15 મિનિટનો સમય લાગતો હોય છે પણ અા વખતે 4 મિનિટ કરતાં અોછા સમયમાં મહારાણીને પતરી ઝીલાઇ અેને માઇભક્તો અને રજવાડી સભ્યો વિશિષ્ટ અાશીર્વાદ માને છે. નવ-દસેક વર્ષ પહેલાં મહારાવ પ્રાગમલજી (ત્રીજા)અે પોતાની અવસ્થાને લઇને પહેલી વાર તેમના પ્રતિનિધિ તરીકે નલિયાના જાડેજા પરિવારના સદસ્યને પતરી ઝીલવાનો હક્ક અાપતા ઇતિહાસમાં પહેલી વાર પતરીવિધિ થઇ ન હતી અને તે પછીના વર્ષે મહારાવના પ્રતિનિધિના હાથે 20-25 મિનિટ પછી માંડ પતરી ઝીલાઇ હતી. તે વખતે રોયલ ફેમિલિના પ્રતિપક્ષના અમુક સમર્થકોઅે કહ્યું હતું કે, ‘માતાજી નારાજ છે અેટલે અાવું થયું’.

શું છે ચામરવિધિ અને પતરીવિધિ?
કચ્છના મહારાવ અથવા તેમણે નીમેલા પ્રતિનિધિ માતાના મઢમાં સાતમની રાતે હવન પૂર્ણ થયા બાદ અાઠમની સવારે ચાચર કુંડમાં સ્નાન કરે તે પછી ચાચર ભવાની અને ગણેશજીની પૂજા કરી મોરના પીછાંમાંથી બનાવેલી બે ચામર જમણાં ખભા પર રાખીને ખુલ્લા પગે, વાજતે-ગાજતે અાશાપુરા મંદિરે જાય છે. અહીં પૂજારી માતાજીના જમણા ખભા ઉપર પતરી મુકે. મા અાશાપુરાના ખભે પતરી મૂકાયા બાદ પખવાજ, ડાફ અને ડાકલાના અવાજ વચ્ચે મહારાવ (કે તેના પ્રતિનિધિ) જમણા પગે ઉભા રહી પતરી ઝીલે છે.

મહારાવે છેલ્લે 2010માં પતરી લીધી, અે પછી અન્ય સભ્યોઅે....
કચ્છ રાજ પરિવારના મહારાવ પ્રાગમલજી ત્રીજાઅે છેલ્લે 2010માં પતરી લીધી હતી, તે પછી તબીયત નાદુરસ્ત હોતાં તેમણે નીમેલા જાડેજા કુળના કે ભાયાત-રાજ પરિવારના સભ્યો દ્વારા 2011થી 2020 સુધી પતરી લેવાઇ હતી.

2010માં પતરીવિધિ જ થઇ ન હતી
રાજ પરિવારમાં વિખવાહ સર્જાયો તે પછી 2010માં પ્રાગમલજી (ત્રીજા)અે તબીયતના કારણસર નલિયાના જુવાનસિંહ જાડેજાને પતરીવિધી કરવાનું કહેતાં મઢ જાગીર તરફથી સીધા વારસદાસ વગર વિધિ નહીં થાય તેવું કહી દેવાતાં ઇતિહાસમાં પહેલીવાર પતરી લેવાઇ ન હતી.

મંદિર પરિસરમાં ભક્તોનો ભારે ધસારો
કોરોના કાળમાં અાસો અને ચૈત્રી અેમ ત્રણ નવરાત્રિ માતાના મઢનું મંદિર દર્શનાર્થીઅો માટે બંધ રહ્યા પછી અા વખતે ખુલ્યું છે, ત્યારે નોરતા શરૂ થાય તે પહેલાથી જ ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને અાઠમના પતરીવિધિના દિવસે ભાવિકોનો ભારે ધસારો રહેતા સ્થિતિને સંભાળવવામાં પોલીસને સારી અેવી કવાયત કરવી પડી હતી.

પતરી વનસ્પતિ માતાજીનું ફુલ મનાય છે
અા પતરી નામની વિશિષ્ટ વનસ્પતિને માતાજીનું ફુલ માનવામાં અાવે છે. માતાના મઢ પાસેની ટેકરીઅો અને ભુજમાં ટપકેશ્વરીના ડુંગર ઉપર અા પતરી વર્ષમાં અેક જ વાર ઉગે છે. જવારાની સાથે પતરીને મિક્ષ કરીને બનાવાતો ગુચ્છો માની મૂર્તિના જમણા ખભા પર મૂકાય છે.

માજી શિક્ષણમંત્રીઅે કર્યા દર્શન
રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વહેલી સવારે મા અાશાપુરાના દર્શને અાવ્યા હતા અને જાગીરાધ્યક્ષ તથા મહારાણીને મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...