ધરપકડ:ભાડાઇ ગામના તલાટી મંત્રી 60 હજારની લાંચ લેતાં એસીબીના છટકામાં સપડાયા

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના ભાડઇ ગામના અરજદારની જમીન વેચાણ બાદ ગ્રામ પંચાયતમાં વારસાઇ નોંધ પાડવા સબબ 60 હજારની લાંચની માંગણી કરનાર તલાટી સહમંત્રી રાહુલ ઉમિયાશંકર રમણા લાંચ લેતાં એસીબીના છટકામાં રંગે હાથે આબાદ ઝડપાઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે માંડવી તાલુકાના ભાડઇ ગામના એક અરજદારે પોતાની જમીન વેચી હોય સંબંધિત જમીનમાં વારસાઇ નોંધ પાડવા ગ્રામ પંચાયતના તલાટી પાસે માગણી કરી હતી. જે બાબતે પંચાયતના તલાટી રાહુલ ઉમિયાશંકર રમણાએ રૂપિયા 60 હજારની માંગણી કરી હતી.

અરજદાર લાંચની રકમ દેવા ન માગતા હોઇ અરજદારે બોર્ડર રેન્જ એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલને જાણ કરી ફરિયાદ કરતાં મદદનીશ નિયામક ગોહિલની સુચનાથી ભુજ એન્ટીકરપ્શન બ્યુરોના પી.આઈ., પી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ભાડાઇ અને ધોડકા રોડ પર છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી તલાટીમંત્ર ફરિયાદી પાસેથી રૂપિયા 60 હજાર લેતાં એલસીબીની ટ્રેપમાં રંગે હાથ પકડાઈ ગયા હતા. એસીબીની ટ્રેપમાં તલાટી સહમંત્રી લાંચ લેતા ઝડપાઇ જતાં કચ્છના તલાટીમંત્રીઓમાં સનસનાટી મચી ગઇ હતી. એસીબીએ આરોપીના કબજામાંથી લાંચની રકમ રિકવર કરીને આરોપી વિરૂધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...