કૃષિ:ભારે વરસાદથી ખેતીને નુકશાનીની મોજણી 55 હજાર હેકટરે પહોંચી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં 267 ટકા વરસાદથી પાકોનું ધોવાણ
  • તેમાંથી 45 હજાર હેકટરમાં ધોવાણ : 6.33 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું

કચ્છમાં ચાલુ સાલે 267 ટકા જેટલો ભારે વરસાદ થયો છે અને હજુ પણ અવારનવાર વરસે છે, જેથી જિલ્લામાં ખરીફ પાકનું ધોવાણ થયું છે. જેની નુકસાનીની મોજણી ચાલી રહી છે, જેમાં ખેડવાલાયક 7 લાખ 53 હજાર 907 હેક્ટર જમીનમાંથી હજુ સુધી 55 હજાર હેકટરની જ મોજણી થઈ શકી છે, જેમાંથી પણ 45 હજાર હેકટર જમીન પરના પાકનું ધોવાણ થયું છે. હજુ મોજણી ચાલુ છે, જેથી આ આંકડો બહુ ઊંચો જાય એવા હેવાલ છે.

ભુજમાં જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ છેલ્લે 2020ની 28મી ઓગસ્ટે કચ્છ જિલ્લામાં તાલુકા અને પાક મુજબ ખરીફ પાકના વાવેતરનો અંતિત રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં કચ્છમાં ખેડવાલાયક 7 લાખ 7 હજાર 575 હેકટરમાંથી ખરીફ પાકનું 6 લાખ 33 હજાર 549 હેકટરમાં અને બાગાયત પાકોનું 74 હજાર 26 હેકટરમાં વાવેતર બતાવ્યું હતું. પરંતુ, ભાદરવામાં જ ભારે વરસાદથી મોટાભાગમાં મોલનું ધોવાણ થયું છે, જેથી રાજ્ય સરકારે નુકશાનીની મોજણી કરવા આદેશ આપ્યા છે. હાલ ગ્રામ સેવકો ગામે ગામ અને ખેતરે ખેતરે નજર ફેરવી નુકશાનીનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરી રહ્યા છે, જેમાં હજુ સુધી 55 હજાર હેકટરની મોજણી કરી છે, જેમાંથી 45 હજાર હેકટરમાં નુકશાનીનો અહેવાલ મોકલ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષની સરેરાશથી 1.33 લાખ હેકટરમાં વધુ વાવણી
કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 5 લાખ 8 હજાર 632 હેકટરમાં વાવણી બોલે છે. પરંતુ, ચાલુ સાલે 28 ઓગસ્ટના અંતિત રિપોર્ટ મુજબ ખરીફ પાકનું 6 લાખ 33 હજાર 549 હેકટરમાં વાવેતર થયું છે. આમ, છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કરતા 1.33 લાખ હેક્ટર જેટલું વધુ વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...